કેરળ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે: જાણો ભારતમાં રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા અને તેના પાછળ થતો કરોડોનો ખર્ચ

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેરળનું નામ બદલીને 'કેરલમ' કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈપણ રાજ્યનું નામ બદલવું એ માત્ર કાગળ પરનો ફેરફાર નથી, તેના પાછળ ₹200 થી ₹500 કરોડનો જંગી ખર્ચ થાય છે.

કેરળ હવે ‘કેરલમ’ તરીકે ઓળખાશે: જાણો ભારતમાં રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા અને તેના પાછળ થતો કરોડોનો ખર્ચ
Image Credit source: AI
| Updated on: Feb 26, 2026 | 5:55 PM

તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેરળ સરકારના લાંબા સમયથી પેન્ડિંગ પ્રસ્તાવને મંજૂરી આપીને રાજ્યનું સત્તાવાર નામ બદલીને ‘કેરલમ’ કરવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, ભારતમાં કોઈ રાજ્યનું નામ બદલવું એ પ્રક્રિયા જેટલી જટિલ છે, તેટલી જ ખર્ચાળ પણ છે.

કેટલો મોટો ખર્ચ થાય છે?

અગાઉના અનુભવો અને નિષ્ણાતોના મતે, કોઈ મોટા રાજ્ય અથવા શહેરનું નામ બદલવામાં અંદાજે ₹200 કરોડથી ₹500 કરોડ સુધીનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ માત્ર સાઈન બોર્ડ બદલવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની અસર સમગ્ર વહીવટીતંત્ર પર પડે છે:

  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાઇનેજ: રોડ સાઈન, હાઈવે બોર્ડ, રેલવે સ્ટેશનની નેમ પ્લેટ, એરપોર્ટ અને તમામ સરકારી ઈમારતો પરના નામ બદલવા પડે છે. દાખલા તરીકે, 1995માં જ્યારે ‘બોમ્બે’નું નામ ‘મુંબઈ’ કરવામાં આવ્યું ત્યારે રેલવેએ માત્ર ટિકિટ અને બોર્ડ બદલવા પાછળ ₹2.5 કરોડ ખર્ચ્યા હતા.
  • સરકારી દસ્તાવેજો: દરેક સરકારી વિભાગના લેટરહેડ, સત્તાવાર સિક્કા (સીલ), ઓળખપત્રો અને કાયદેસરના દસ્તાવેજો અપડેટ કરવા પડે છે.
  • ડિજિટલ ડેટાબેઝ: સરકારી પોર્ટલ, જમીનનો રેકોર્ડ (લેન્ડ રેકોર્ડ), ડિજિટલ મેપ્સ, ટેક્સ પ્લેટફોર્મ અને પોસ્ટલ ડેટાબેઝમાં ફેરફાર કરવો એ એક મોટું અને ખર્ચાળ કામ છે.
  • ખાનગી ક્ષેત્ર પર બોજ: માત્ર સરકાર જ નહીં, પણ રાજ્યમાં કાર્યરત બેંકો, શૈક્ષણિક સંસ્થાઓ અને કંપનીઓએ પણ તેમના લોગો, બ્રાન્ડિંગ અને કોન્ટ્રેક્ટ્સ બદલવા પડે છે.

અગાઉના ઉદાહરણો

જ્યારે ઉત્તર પ્રદેશમાં ‘અલ્હાબાદ’નું નામ બદલીને ‘પ્રયાગરાજ’ કરવામાં આવ્યું, ત્યારે રાજ્ય સરકારે વહીવટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ્સ માટે અંદાજે ₹300 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવાનું મનાય છે.

શું છે કાયદાકીય પ્રક્રિયા?

ભારતીય બંધારણની કલમ 3 (Article 3) હેઠળ રાજ્યનું નામ બદલવાની સત્તા સંસદ પાસે છે:

  • સૌ પ્રથમ રાજ્ય વિધાનસભા નામ બદલવાનો પ્રસ્તાવ પસાર કરી કેન્દ્ર સરકારને મોકલે છે.
  • ગૃહ મંત્રાલય રેલવે, પોસ્ટલ વિભાગ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસેથી અભિપ્રાય માંગે છે.
  • ત્યારબાદ રાષ્ટ્રપતિની ભલામણથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવે છે.
  • સંસદના બંને ગૃહોમાં સાદી બહુમતીથી બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી મળતા નામ બદલવાની પ્રક્રિયા સત્તાવાર બને છે.

નવી પરણેલી કન્યાએ લગ્ન પછીની પહેલી હોળી સાસરીમાં કેમ ન મનાવવી જોઈએ? જાણો તેની પાછળનું ધાર્મિક અને સામાજિક કારણ, વાંચવા માટે અહીં ક્લિક કરો