
આજકાલ, દુકાનો, બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પાણીની એવી બોટલ જોવા મળે છે જે થર્મલ બોટલ જેવી જ દેખાતી હોય. જો કે, આમાંની ઘણી બોટલો ખરેખર સામાન્ય સ્ટીલ અથવા સિંગલ-વોલ્ડ બોટલ હોય છે. જે લાંબા સમય સુધી પાણીને ગરમ કે ઠંડુ રાખી શકતી નથી. થર્મલ બોટલનું પ્રાથમિક કાર્ય ઠંડા કે ગરમ તાપમાનને ઘણા કલાકો સુધી જાળવવાનું હોય છે.
ઘણીવાર લોકો બોટલની ડિઝાઇન, તેના ફિનિશીગ અને ભળતાસળતા નામને લઈને ગેરમાર્ગે દોરાય છે. પરિણામે તેઓ થર્મલ બોટલના ભાવે સામાન્ય બોટલ ખરીદીને ઘરે લાવે છે. જો તમે નવી થર્મલ બોટલ ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમે કેટલીક સરળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તે સાચી થર્મલ બોટલ છે કે નહીં તેની ગુણવત્તા ચકાસી શકાય છે.
સાચી થર્મલ બોટલની ઓળખ તેની ડબલ-વોલ ઇન્સ્યુલેશન હોય છે. તેમાં સ્ટીલના કે કાચના બે સ્તરો વચ્ચે બનાવેલ વેક્યુમ એટલે કે, હવા વગરની જગ્યા હોય છે, જે બોટલમાં ભરેલ ગરમ અથવા ઠંડાને બહારના વાતાવરણની અસર થતા અટકાવે છે. ખરીદતી વખતે, બોટલને હળવેથી ટેપ કરો અથવા તેનું વજન તપાસો. જો ડબલ-વોલ ઇન્સ્યુલેશનવાળી થર્મલ બોટલ હશે તો તે સામાન્ય સ્ટીલની બોટલ કરતાં થોડીક ભારે હોય છે. બોટલ ઉપર ધીમેથી ટકોરા મારવાથી તેમાં સહેજ પડઘો પડતો અવાજ સંભળાશે.
થર્મલ બોટલની ગુણવત્તા ચકાસવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તેમાં ઉકળેલુ ગરમ પાણી ભરો અને પછી બોટલના બાહ્ય ભાગને સ્પર્શ કરો. જો બોટલના બાહ્ય ભાગને સ્પર્શ કરતા જ તે ગરમ લાગે, તો તે સંભવત એક સામાન્ય બોટલ છે. જેમાં વેક્યુમ ઇન્સ્યુલેશનનો અભાવ છે. જો થર્મલ બોટલ સાચી હોય તો, ગરમ પાણી ભર્યા પછી પણ બોટલની બાહ્ય સપાટીનું તાપમાન સામાન્ય રહે છે.
થર્મલ બોટલનો લીકેજ સામે પ્રતિકાર અને તેનું ઇન્સ્યુલેશન પ્રદર્શન તેના ઢાંકણ પર ખૂબ આધાર રાખે છે. અસલી થર્મલ બોટલનું ઢાંકણુ ઉચ્ચ-ગુણવત્તાવાળી સિલિકોન રિંગ અથવા રબર સીલથી ફીટ કરવામાં આવે છે. આ ઢાંકણુ સીલબંધ હોવાથી અંદરની હવા અને પાણી બંનેને બહાર નીકળતા અટકાવે છે. ઢાંકણને ચુસ્તપણે બંધ કરો અને બોટલને ઊંધી કરો. જો થોડું પાણી પણ લીક થાય છે, તો તેનો અર્થ એ છે કે તે એક સામાન્ય બોટલ છે.
Published On - 2:10 pm, Wed, 9 September 26