Moon Mission : ભારતની સ્પેસ એજન્સી ઈસરો અને અમેરિકાના નાસા સહિત દુનિયાભરની સ્પેસ એજન્સી ચંદ્ર પર પહોંચવાની રેસમાં છે. મિશન ચંદ્રયાન 3ને કારણે ઈસરો, ભારત અને ચંદ્ર આખી દુનિયામાં ભારે ચર્ચામાં છે. લગભગ 40-42 દિવસની યાત્રા પૂરી કરીને ચંદ્રયાન 3, 23 ઓગસ્ટના દિવસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. ત્યારે પ્રશ્ન એ પણ થાય કે શું પૃથ્વીથી ચંદ્ર (Moon) સુધીની સીડી બનાવીને માણસ ચંદ્ર સુધી પહોંચી શકે ?
આ સવાલ થોડો અટપટો છે, પણ તેનો જવાબ જણાવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિને હશે જ. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.
એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર હોય છે.
પૃથ્વી પરથી ચંદ્ર સુધીની લાંબી સીડી બનાવવી સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પરંતુ આ પ્રક્રિયા અતિ મુશ્કેલ અને ખર્ચાળ હશે. લગભગ 384,000 કિલોમીટર સુધીની સીડી બનાવવા માટે અવકાશની કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે. આજથી વર્ષો બાદ અતિ અદ્યતન ટેકનોલોજી અને સંસાધનોની મદદથી આવી સીડી બનાવી શકાશે, પણ હાલની પરિસ્થિતિમાં આ કામ અશક્ય છે.
પૃથ્વીથી ચંદ્ર સુધીની યાત્રા સીડીની મદદથી પૂરી કરવા માટે લગભગ 33 મિલિયન સીડીની જરુર પડશે. આ દરેક સીડીની લંબાઈ લગભગ 3 ફીટ જેટલી હોવી જરુરી છે. એકની ઉપર એક, આમ 33 મિલિયન સીડી ગોઠવીને પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકાશે.
આ પ્રક્રિયા લગભગ 79,633.33 કલાકના નોન-સ્ટોપ ક્લાઇમ્બીંગ સમાન છે. દિવસમાં 9 કલાક ખાવા અને સૂવાના 29,862.5 કલાક સાથે, લગભગ 109,495.83 કલાક અથવા તો લગભગ 12.5 વર્ષમાં તમે સીડીની મદદથી પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકશો. એટલે કે પૃથ્વી-ચંદ્ર વચ્ચે સીડી બનાવવાનો વિચાર ખર્ચાળ અને સમયનો વ્યય કરશે.