
Rights of the Consumer : જો તમને કોઈ દુકાનમાં એવું લખાણ જોવા મળે કે “એકવાર વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં,” તો ગભરાવાની જરૂર નથી. જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત હોય, તેમાં કોઈ ક્ષતિ હોય, અથવા તે વચન આપ્યા મુજબના માપદંડોને પૂર્ણ ના કરતું હોય, તો ગ્રાહકના કાયદાકીય અધિકારો, આવુ કહેવા કે લખવા છતા અકબંધ રહે છે. એક ગ્રાહક તરીકે તમારે એ પરિસ્થિતિઓ વિશે જાણવુ જરૂરી છે કે જેમાં તમે રિફંડ (ચીજવસ્તુ પરત આપીને ખર્ચેલ રૂપિયા), વસ્તુ બદલાવવી (ખરીદેલી વસ્તુ પરત આપી તેના બદલે બીજી તેના જેવી જ લેવી), અથવા અન્ય પ્રકારના ઉકેલની માંગ કરી શકો છો.
બજારમાંથી વસ્તુઓ ખરીદતી વખતે, લોકો ઘણીવાર બિલ ઉપર કે દુકાનમાં ગ્રાહકની નજર પડે તે રીતે લખેલા એક વાક્યથી પરેશાન થઈ જાય છે: “એકવાર વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં.” જો ઘરે પહોંચ્યા પછી ખબર પડે કે ખરીદેલી વસ્તુ ખામીયુક્ત છે, તો ઘણા ગ્રાહકો એમ માનીને ચૂપ રહી જાય છે કે હવે કંઈ થઈ શકે તેમ નથી. જો કે, દરેક કિસ્સામાં આવું હોતું નથી. ભલે દુકાનદાર પોતાની ‘રિટર્ન અને એક્સચેન્જ’ (વસ્તુ પાછી લેવાની કે બદલવાની) નીતિ નક્કી કરી શકે, પરંતુ તે ગ્રાહકના કાયદાકીય અધિકારોથી ઉપર નથી. ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019’ (Consumer Protection Act, 2019) ગ્રાહકોને અનેક અધિકારો આપે છે.
ધારો કે તમે કોઈ વસ્તુ ખરીદો છો, જેમ કે કપડાં, પગરખાં અથવા અન્ય કોઈ બીજુ ઉત્પાદન, અને પછી તમારો વિચાર બદલાઈ જાય છે. જો વસ્તુમાં કોઈ ખામી નથી, પરંતુ તમને તે હવે પસંદ નથી, તો દુકાનદાર કાયદેસર રીતે તે વસ્તુ પાછી લેવા માટે બંધાયેલા નથી. આવા કિસ્સામાં, તેમની પોતાની ‘રિટર્ન પોલિસી’ (વસ્તુ પાછી લેવાની નીતિ) લાગુ પડે છે. ટૂંકમાં, તમારી પસંદગી બદલાવી અને વસ્તુમાં ખામી હોવી, આ બંને તદ્દન અલગ બાબતો છે.
જો ખરીદેલી વસ્તુમાં ઉત્પાદન ખામી (manufacturing defect) હોય, તે અપેક્ષિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતી હોય, તે ખોટી વસ્તુ હોય, અથવા જાહેરાતો કે આપેલા વચનો સાથે મેળ ખાતી ન હોય, તો બિલ પર લખેલી નોંધ કે “એકવાર વેચાયેલો માલ પાછો લેવામાં આવશે નહીં” પૂરતી નથી. આવી સ્થિતિમાં, ગ્રાહક કાયદા હેઠળ, ગ્રાહક પોતાની ફરિયાદના આધારે નિવારણ માંગી શકે છે. આમાં વસ્તુનું સમારકામ કરાવવું, ખામીયુક્ત વસ્તુના બદલે નવી વસ્તુ મેળવવી, પૈસા પાછા મેળવવા (રિફંડ), અથવા થયેલા નુકસાન માટે વળતર માંગવાનો સમાવેશ થઈ શકે છે.
કયા પ્રકારનો ઉકેલ મળશે, તેનો આધાર કેસની વિશિષ્ટ પરિસ્થિતિઓ પર રહેશે. જો ‘સેલ’ (sale) દરમિયાન ખરીદેલી વસ્તુ ખામીયુક્ત નીકળે તો શું? જો ડિસ્કાઉન્ટ પર અથવા વેચાણ દરમિયાન ખરીદેલી વસ્તુ ખામીયુક્ત હોય અથવા ગુણવત્તા સંબંધિત સમસ્યાઓ હોય, તો ગ્રાહકના કાનૂની અધિકારો અકબંધ રહે છે. જો કે, જો ઉત્પાદન સારી સ્થિતિમાં હોય અને ગ્રાહક ફક્ત પસંદગીમાં ફેરફારને કારણે તેને પરત કરવા માંગે છે, તો રિટેલરની રીટર્ન પોલિસી લાગુ થશે.
જો કોઈ દુકાનદાર ખામીયુક્ત ઉત્પાદન અંગેની ફરિયાદનો યોગ્ય રીતે ઉકેલ લાવવાનો ઇનકાર કરે છે, તો તમે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન ઉપર ફોન કરીને સહાય મેળવી શકો છો. ગ્રાહકો 1915 પર કોલ કરી શકે છે. વધુમાં, ઉમંગ એપ દ્વારા ફરિયાદો નોંધાવી શકાય છે. જો જરૂરી હોય તો, ઇ-દાખિલ પોર્ટલ દ્વારા ગ્રાહક આયોગમાં ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકાય છે.