સુકન્યા યોજનામાંથી તમે કેટલા વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો ? જાણો શું છે નિયમ

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. દર વર્ષે તમારે માર્ચ સુધીમાં આ ખાતામાં પૈસા જમા કરાવવાના હોય છે. કારણ કે આ એક સરકારી સ્કીમ છે, તેમાં કોઈ જોખમ નથી. તમને ખાતરીપૂર્વકનું વળતર મળે છે.

સુકન્યા યોજનામાંથી તમે કેટલા વર્ષ પછી પૈસા ઉપાડી શકો છો ? જાણો શું છે નિયમ
Sukanya Yojana
Image Credit source: www.icicibank.com/blogs
| Updated on: Mar 25, 2024 | 11:51 PM

સરકાર દ્વારા દીકરીઓ માટે એક સ્કીમ ચલાવવામાં આવી રહી છે, જેમાં તમે રોકાણ કરી શકો છો અને થોડા વર્ષો પછી તમને લાખો રૂપિયાનું વળતર મળશે. આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે, જેમાં 10 વર્ષ સુધીની બાળકી માટે ખાતું ખોલાવી શકાય છે. આ એક બચત યોજના છે, જેમાં 8.2નો વ્યાજ દર આપવામાં આવી રહ્યો છે.

તેનો અર્થ એ છે કે, તમે જેટલા વર્ષો સુધી પૈસા જમા કરશો તેટલા વધુ વ્યાજે તમારા ખાતામાં જમા થશે. હવે આ યોજનાને લઈને લોકોના મનમાં એક સવાલ છે કે તેઓ કેટલા વર્ષ પછી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. શું કટોકટીની સ્થિતિમાં પૈસા ઉપાડી શકાય છે ? આજે અમે તમને આ અંગે માહિતી આપીશું.

તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અથવા વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. દર વર્ષે તમારે માર્ચ સુધીમાં આ ખાતામાં પૈસા જમા કરાવવાના હોય છે. કારણ કે આ એક સરકારી સ્કીમ છે, તેમાં કોઈ જોખમ નથી. તમને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. એક દીકરી માટે માત્ર એક સુકન્યા ખાતું ખોલાવી શકાય છે. જ્યારે પરિવારની બે દીકરીઓ માટે સુકન્યા ખાતું ખોલાવી શકો છો.

તમે ક્યારે પૈસા ઉપાડી શકો છો ?

સુકન્યા ખાતામાંથી કેટલા વર્ષો પછી પૈસા ઉપાડી શકાય તેના વિશે વાત કરીએ તો, સુકન્યા યોજના ત્યારે જ મેચ્યોર થાય છે, જ્યારે દીકરી 21 વર્ષની થાય. હવે જો તમે પહેલા પૈસા ઉપાડવા માંગતા હોવ તો દીકરીની ઉંમર 18 વર્ષની થઈ જાય પછી તમે આંશિક રકમ ઉપાડી શકો છો. તમે આ સમયગાળા દરમિયાન કુલ જમા રકમના 50 ટકા ઉપાડી શકો છો. બાકીનો ભાગ દીકરીના ભણતર અને અન્ય બાબતો માટે સેવ રાખવામાં આવે છે.

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે શું 18 વર્ષની ઉંમર પહેલા કોઈ રકમ ઉપાડી શકાય કે નહીં. 18 વર્ષની ઉંમર પહેલા સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી કોઈ રકમ ઉપાડી શકાતી નથી. તમારે તમારી દીકરીના 18 વર્ષ પૂરા થાય તેની રાહ જોવી પડશે. આ પછી જ તમે આ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ યોજના હેઠળ કરોડો ખાતા ખોલવામાં આવ્યા છે અને લોકો તેમાં દર વર્ષે સારી એવી રકમ જમા કરાવે છે.

Follow Us