
શ્રીલંકાને (Sri Lanka Crisis)દેવાદાર બનાવવા પાછળ રાજપક્ષે પરિવાર જવાબદાર હોવાનુ ગણાવાય છે. કેટલાક વિશેષજ્ઞોના મતે સરકારના ખોટા નિર્ણયો અને રાજપક્ષે પરિવારના ભ્રષ્ટાચારને કારણે દેશની આવી હાલત થઈ છે. શક્તિશાળી ગણાતા રાજપક્ષે (Gotabaya Rajapaksa)પરિવારના ખોટા નિર્ણયો અને ભ્રષ્ટાચારે શ્રીલંકાની હાલત ખરાબ કરી દીધી. છેલ્લા બે દાયકાથી આ શક્તિશાળી રાજકીય પરિવારની શ્રીલંકામાં બોલબાલા રહી છે. અત્યંત શક્તિશાળી એવા રાજપક્ષેના શાસનમાં લેવાયેલા ખોટા નિર્ણયો અને તેમના ભ્રષ્ટાચારે દેશની ઘોર ખોદી નાખી. શ્રીલંકામાં 20 વર્ષથી વધુ સમયથી રાજપક્ષે પરિવારની જ બોલબાલા રહી છે અને આ 20 વર્ષ દરમિયાન તેમણે દેશને લૂંટાય એટલો લૂંટ્યો અને પ્રચુર માત્રામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
એવુ કહેવાય છે કે શ્રીલંકાની આર્થિક બદહાલી પાછળ રાજપક્ષે પરિવાર જવાબદાર છે ત્યારે આ પરિવાર માટે જાણવુ જરૂરી બની જાય છે. એપ્રિલ 2022 સુધી શ્રીલંકામાં આ પરિવારમાં પાંચ સભ્યો સત્તામાં હતા. તેમા રાષ્ટપતિ ગોટાબાયા રાજપક્ષે, વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે, સિંચાઈ મંત્રી ચમલ રાજપક્ષે, નાણામંત્રી બાસિલ રાજપક્ષે, રમતગમત મંત્રી નમલ રાજપક્ષે હતા, આ તમામ પૈકી રાષ્ટ્રપતિ ગોટાબાયા સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામુ આપી દીધુ છે.
શ્રીલંકામાં ગોટાબાયા સરકાર 2019થી સત્તામાં આવી તે પહેલાથી દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ જ હતી. તેમા રાજપક્ષે સરકારે ઘી પૂરવાનુ કામ કર્યુ, દેશમાં મોંઘવારી વધી રહી છે. દેશમાં અગાઉની સરકાર સામે અસંતોષની આગ પણ હતી. આ તમામ પાંસાઓ સામે રાજપક્ષે સરકારે આંખ આડા કાન કર્યા અને જનતાને ખોટી રીતે ખુશ કરવા માટે લોકોના ટેક્સ ઘટાડવાનુ શરૂ કર્યુ અને ટેક્સ અડધા કરી દીધા.
બીજો ખતરનાક નિર્ણય દેશમાં રાસાયણિક ખેતી બંધ કરવાનો લેવામાં આવ્યો અને માત્ર ઓર્ગેનિક ખેતી જ કરવામાં આવશે તેવો આદેશ દેવામાં આવ્યો. પહેલેથી જ શ્રીલંકાનું કૃષિમાં ચોખા, ચા અને રબર સિવાય ખાસ કંઈ યોગદાન નથી. માત્ર બે ચીજોની આ દેશ સારી નિકાસ કરતો હતો અને તેનાથી થોડુ ઘણુ વિદેશી હુંડિયામણ મળતુ હતુ. શ્રીલંકામાં ચોખાનો મોટા પાયે ઉપયોગ થાય છે, પરંતુ ઓર્ગેનિક ખેતીના સરકારના નિર્ણયે દેશની ખેતીની પાળ પીટી નાખી અને ખેતી બર્બાદ થઈ ગઈ.
શ્રીલંકામાં 90 ટકા ખેતી રાસાયણિક ખાતરથી થતી હતી અને ઓર્ગેનિક ખેતીના આદેશને કારણે બહારથી મોટા પ્રમાણમાં અનાજ, કઠોળ અને તેલની આયાત કરવાની જરૂરિચાત ઉભી થવા લાગી, જેનાથી વિદેશી મુદ્રા ભંડાર ખૂટવા લાગ્યો અને સરકારે તેની કંઈ ચિંતા જ ન કરી.
સૌથી વધુ પ્રવાસન ઉદ્યોગ પર નભતો શ્રીલંકા તેના આ કમાણી કરાવતા ઉદ્યોગને પણ સંભાળી ન શક્યો. જેમા કોરોના મહામારીએ પણ મોટો ભાગ ભજવ્યો. કોરોના દરમિયાન વિશ્વના દેશોમાં લદાયેલા લોકડાઉનને કારણે શ્રીલંકાનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો. શ્રીલંકાને સૌથી વધુ વિદેશી હુંડિયામણ પર્યટનમાંથી મળતુ હતુ જે કોરોનાને કારણે બંધ થયુ. વારંવાર લોકડાઉનને કારણે શ્રીલંકાના પ્રવાસનને ભારે નુકસાન થયુ જેના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા.
શ્રીલંકાની GDPનો 10 ટકા પ્રવાસનમાંથી આવે છે પરંતુ કોરોનાને કારણે દેશના અર્થંતંત્રને મોટુ નુકસાન પહોંચાડ્યુ. સરકારને માલ ખરીદવા માટે બહારથી વિદેશથી ચલણ ખરીદવુ પડ્યુ. ટેક્સ ઘટાડો અને પ્રવાસનમાંથી આવક અને ઉત્પાદનમાં ઘટાડાથી સરકારના આવકના સ્ત્રોત ખૂટવા લાગ્યા. દરેકે દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓ, દવાઓ, અનાજ, તેલ, ખાંડ અને કઠોળ સહિતનાની વિદેશથી આયાત શરૂ કરવી પડી.
ઈંધણ તો પહેલેથી જ બહારથી આવી રહ્યુ હતુ તેના કારણે વિેદેશી મુદ્રાનો ભંડાર ખાલી થઈ ગયો અને દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો. વિદેશથી મુદ્રા ખરીદવાને કારણે શ્રીલંકાની કરન્સી નબળી પડવા લાગી. તેની આડ અસર એ જોવા મળી કે દેશમાં મોંધવારી વધવા લાગી. ધીમે ધીમે પરિસ્થિતિ એવી ઉભી થઈ કે શ્રીલંકા પાસે બહારથી માલસામાન, તેલ વગેરેની આયાત કરી શકાય તેટલા પૈસા પણ ન બચ્યા અને IMF પાસે હાથ ફેલાવવા પડી રહ્યા છે.
શ્રીલંકાની વર્ષ 2018માં વિદેશી રોકાણ 1.6 અબજ ડોલર હતુ જે વર્ષ 2020માં ઘટીને 548 મિલિયન ડોલર થઈ હતુ. આ સ્થિતિ જોઈને જે દેશો રોકાણ કરતા હતા તેમણે પણ આ સ્થિતિ જોઈને રોકાણ બંધ કર્યુ.આ તમામ પરિબળોને કારણે જે સ્થિતિ સર્જાઈ તે આજે વિશ્વની સામે છે.