રશિયા અને યુક્રેન વચ્ચે (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનની રાજધાની કિવમાં સંઘર્ષ કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. કારણ કે પ્રશાસને અહીં લાદવામાં આવેલો વીકએન્ડ કર્ફ્યુ (Weekend Curfew) હટાવી લીધો છે. અહીં તમામ વિદ્યાર્થીઓને ટ્રેનમાં બેસીને તેમની આગળના પ્રવાસ માટે જવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને પશ્ચિમ તરફ જવા માટે કહેવામાં આવ્યું છે. યુક્રેનિયન રેલ્વે ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) ચલાવી રહી છે. આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 1100થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત આવ્યા છે.
ભારત સરકાર દ્વારા યુક્રેનમાંથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને પહેલા જ બહાર કાઢવામાં આવ્યા છે. યુક્રેનમાં હજુ પણ ફસાયેલા બાકીના ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મોદી સરકારે નવી રણનીતિ બનાવી છે. આ અંતર્ગત ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મંત્રીઓ યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો સાથે વાત કરશે અને તેમને બહાર કાઢવાની વ્યવસ્થા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ભારતના ‘ખાસ દૂત’ તરીકે મોકલવામાં આવશે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.
Weekend curfew lifted in Ukraine; Head towards train stations, India advises students.#UkraineRussiaWar #RussiaUkraineWar #UkraineRussiaCrisis pic.twitter.com/MFttCsl9N7
— Tv9 Gujarati (@tv9gujarati) February 28, 2022
રવિવારે જાહેર કરાયેલી એડવાઈઝરી મુજબ યુક્રેનિયન રેલ્વે ‘પહેલા આવો પ્રથમ સેવા’ના ધોરણે લોકોને મફતમાં રેલ્વે સ્ટેશન પરથી બહાર કાઢવા માટે વિશેષ ટ્રેનો ચલાવી રહી છે અને જેના માટે ટિકિટની જરૂર નથી. દૂતાવાસે કહ્યું કે, તે વિકાસશીલ પરિસ્થિતિ પર ખાસ કરીને યુક્રેનના પૂર્વીય વિસ્તારોમાં નજીકથી નજર રાખી રહ્યું છે. દરમિયાન યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે બેલારુસ-યુક્રેન સરહદ પર રશિયા સાથે મંત્રણા કરવા માટે સંમત થયું છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ રવિવારે જણાવ્યું હતું કે, ભારતે અત્યાર સુધીમાં તેના લગભગ 2,000 નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે અને પડોશી દેશોની સરહદો પર સ્થિત વિવિધ ટ્રાન્ઝિટ પોઈન્ટ દ્વારા ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પત્રકારો સાથે વાત કરતા શ્રીંગલાએ કહ્યું કે, તેમણે યુક્રેન અને રશિયાના રાજદૂતો સાથે અલગ-અલગ બેઠકો કરી છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોનું સ્થાન શેર કર્યું છે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, હંગેરી અને રોમાનિયામાં સરહદ પાર કરવી સરળ છે, પરંતુ પોલેન્ડ સાથેની સરહદ પરના તમામ ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ વિદેશી નાગરિકો અને યુદ્ધને કારણે યુક્રેન છોડીને જતા દેશોના પ્રવાહને કારણે અવરોધિત છે. શ્રિંગલાએ કહ્યું કે હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયાની સરહદો નજીક રહેતા ભારતીય નાગરિકોને તબક્કાવાર બોર્ડર પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: શું ખત્મ થશે રશિયા અને યુક્રેન વચ્ચનું યુદ્ધ? બપોરે 3.30 વાગ્યે બેલારૂસમાં બંને દેશો વચ્ચે થશે વાતચીત
Published On - 3:02 pm, Mon, 28 February 22