Pakistan: પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ ‘બટાકા, ટામેટાં’ના ભાવને નિયંત્રિત કરવા માટે રાજકારણમાં આવ્યા નથી. ખાને પંજાબ પ્રાંતના (Punjab province) હાફિઝાબાદમાં એક રાજકીય રેલીમાં જણાવ્યું હતું કે, દેશ એવા તત્વો સામે ઉભો રહેશે જેઓ “મની પાવર દ્વારા” સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન એક મહાન રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે કારણ કે તેમની સરકાર (Pakistan Government) દ્વારા જાહેર કરાયેલી રાહતોના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે.
ખાને કહ્યું કે,તેઓ દેશના યુવાનોના હિત માટે રાજકારણમાં પ્રવેશ્યા છે અને તેમને રાજકારણથી કોઈ વ્યક્તિગત લાભ મળ્યો નથી. ઉપરાંત વ્યક્તિ જીવનમાં જે સ્વપ્ન જુએ છે તે બધું મારી પાસે પહેલેથી જ છે. સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખે વધુમાં કહ્યું કે,”હું બટાકા અને ટામેટાંની કિંમતને નિયંત્રણમાં લાવવા માટે રાજકારણમાં નથી આવ્યો. દેશના યુવાનો માટે મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે.”
તેમણે કહ્યું,”જો આપણે એક મહાન રાષ્ટ્ર બનાવવુ હોય,તો આપણે સત્ય સાથે ઊભા રહેવું પડશે અને હું છેલ્લા 25 વર્ષથી આ જ શીખવી રહ્યો છું.” તમને જણાવી દઈએ કે,પાકિસ્તાનના સામાન્ય ફુગાવાના દર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) માં માપવામાં આવે છે અને તે હાલ 13 ટકા છે,જે 24 મહિનાના સૌથી ઉચ્ચ સ્તરે છે અને લગભગ તમામ કોમોડિટીના ભાવ વધી રહ્યા છે. ડોન અખબાર અનુસાર, જાન્યુઆરી, 2020 પછી આ સૌથી વધુ CPI ફુગાવો છે, જ્યારે તે 14.6 ટકા હતો.
તમને જણાવી દઈએ કે, ઈમરાન સરકાર સામે વિરોધ પક્ષોએ 8 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો.સંયુક્ત વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા બાદ પાકિસ્તાનમાં રાજકીય માહોલ ગરમાયો છે. સરકાર અને વિપક્ષ બંને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના દિવસ માટે પૂરતા સભ્યો છે. 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વડા પ્રધાનને હટાવવા માટે વિપક્ષને 272 મતોની જરૂર છે.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 2018 માં સત્તા પર આવ્યા હતા.
આ પણ વાંચો : Russia Ukraine War: ભારત સરકારનો મોટો નિર્ણય, યુક્રેનમાં સ્થિત પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરશે