ઈમરાન ખાનની (Imran Khan) પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાકિસ્તાનમાં (Pakistan) સત્તામાં વાપસી કરવા તૈયાર લાગી રહી છે. પીટીઆઈએ નવા વડાપ્રધાનની ચૂંટણી પહેલા સંસદીય બેઠક બોલાવી છે. આ બેઠક પહેલા પીટીઆઈના તમામ સાંસદોને નવા પીએમની ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે. નવા વડાપ્રધાન માટે યોજાનારી ચૂંટણીના મતદાન માટે સાંસદોને નેશનલ એસેમ્બલીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમામ સાંસદોને શાહ મહેમૂદ કુરેશીને મત આપવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં ઈમરાનની પાર્ટીએ શાહ મહેમૂદ કુરેશીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત વિપક્ષ વતી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફ નવા પીએમના દાવેદાર છે. એવું માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ સરળતાથી પાકિસ્તાનના વડાપ્રધાન બની જશે, કારણ કે તેમની પાસે બહુમત સાબિત કરવા માટે પૂરતી સંખ્યા છે. વડાપ્રધાનની પસંદગી માટે સોમવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવામાં આવશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફ અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ રવિવારે આ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ઈમરાન ખાનને અવિશ્વાસ મત દ્વારા પદ પરથી હટાવ્યા બાદ ગૃહના નવા નેતાની પસંદગીની પ્રક્રિયા રવિવારે શરૂ થઈ હતી. ગૃહનો વિશ્વાસ ગુમાવ્યા બાદ ઈમરાન દેશના ઈતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બન્યા છે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે. વિપક્ષે ઈમરાનને પદ પરથી હટાવવા માટે 174 વોટ એકઠા કર્યા હતા. જો તે સોમવારે પણ આ આંકડાઓનું પુનરાવર્તન કરશે તો શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનશે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શરીફનું નોમિનેશન પેપર નેશનલ એસેમ્બલી સચિવાલય દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું પછી નેશનલ એસેમ્બલી સચિવાલયે PTI દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને નકારી કાઢ્યા હતા. કુરેશીનું નામાંકન પત્ર પણ સ્વીકારવામાં આવ્યું હતું.
આ દરમિયાન મોટી સંખ્યામાં પીટીઆઈ સમર્થકોએ ઈમરાનને હટાવવાના વિરોધમાં લાહોરના લિબર્ટી ચોક ખાતે વિરોધ રેલી કાઢી હતી. ફૈસલાબાદ, મુલતાન, ગુજરાનવાલા, વેહારી, ઝેલમ અને ગુજરાત જિલ્લાઓ સહિત પંજાબ પ્રાંતના અન્ય ભાગોમાંથી પણ મોટા જાહેર મેળાવડાના અહેવાલ છે. ઈસ્લામાબાદ અને કરાચીમાં પણ પીટીઆઈ સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી. રવિવારે રાત્રે 9 વાગ્યા પછી અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. લંડન, યુકેમાં શરીફ પરિવારના રહેઠાણ એવેનફિલ્ડ એપાર્ટમેન્ટની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પીટીઆઈ અને પીએમએલ-એન સમર્થકો એકબીજા સાથે અથડાયા હતા.
આ પણ વાંચો: Bank Holidays: આ અઠવાડિયે સતત 4 દિવસ બેંક બંધ રહેશે ! રજાની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-