
ડોનાલ્ડ ટ્રમ્પના વીઝાને લઈને નિયમો વધુ સખ્ત બનાવી દીધા છે. ઈમિગ્રેશન પર પ્રતિબંધો લગાવી ટ્ર્મ્પ જે પ્રકારે પગલા લઈ રહ્યા છે તેમણે ભારતીય પ્રવાસીઓના મનમાં ડર ઉભો કર્યો છે. હાલ સ્થિતિ એવી છે કે મોટાભાગના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ડરે છે. KFF અને NYTએ એક સર્વેને ટાંકીને, જણાવ્યું હતું કે મોટાભાગના ઇમિગ્રન્ટ્સ હવે યુએસ ઇમિગ્રેશન અધિકારીઓની તપાસથી બચવા માટે વિદેશ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. કાઈઝર ફેમિલી ફાઉન્ડેશન (KFF) અને ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા 2025 ના સર્વે મુજબ, યુએસમાં રહેતા લગભગ 27 ટકા ઇમિગ્રન્ટ્સે જાણી જોઈને મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે.
ચિંતાની વાત એ છે કે, આ ભય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પૂરતો સીમિત નથી. પરંતુ જે લોકો પાસે માન્ય વિઝા અને નેચરલાઈઝેશન નાગરિકતા લીધેલી છે તેઓ પણ તેમના ઘર છોડવાથી ગભરાઈ રહ્યા છે. જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરે છે. આ લોકો ધરપકડ અને દેશનિકાલના ડરથી ખુદને લો પ્રોફાઇલ રાખે છે. તેમના મનમાં ડર છે કે ક્યાંક અધિકારીઓ તેમની ધરપકડ કરીને તેમને ડિપોર્ટ ન કરી દે. રિપોર્ટમાં જણાવાયું છે કે માન્ય વિઝા ધરાવતા 32 ટકા અને નેચરલાઈઝ્ડ વિઝા ધરાવતા 15 ટકા લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે 2/3 બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ, અથવા 63 ટકા, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળી રહ્યા છે.
હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં નાતાલની રજાઓ ચાલી રહી છે, આ વર્ષે, મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જોકે, આ વર્ષે, મુસાફરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. KFF અને NYT સર્વે રિપોર્ટ દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટ હેઠળ, એરપોર્ટ પર નોંધપાત્ર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, સ્થાનિક ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે, અને ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) એ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અધિકારીઓ સાથે પેસેન્જર મેનિફેસ્ટ જેવા સ્થાનિક મુસાફરી ડેટા શેર કરવાનું શરૂ કર્યું છે. આ ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સની ધરપકડ, અટકાયત અને દેશનિકાલને સરળ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
ટેક્સાસમાં રહેતી 30 વર્ષીય ભારતીય IT વ્યાવસાયિક શિખા એસ., બે વર્ષ પછી તેના માતાપિતાને મળવા માટે ભારતની ટિકિટ બુક કરાવી હતી. પરંતુ H-1B પ્રોફેશનલ્સની વધારાની ચકાસણી અને એપોઇન્ટમેન્ટમાં વિલંબના અહેવાલો પછી, તેણીને તેની યાત્રા મુલતવી રાખવાની ફરજ પડી. મુંબઈમાં રહેતા શિખાના પિતાએ કહ્યું, “મારી પુત્રી H-1B વિઝા પર છે, અને ભલે તેને હાલમાં એક્સટેન્શન કે સ્ટેમ્પિંગની જરૂર નથી, અમે તેને તેની મુસાફરી મુલતવી રાખવાની સલાહ આપી છે. અમે નથી ઇચ્છતા કે તેણીને કોઈ બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડે.”
જુલાઈથી, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે H-1B અને H-4 વિઝા સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેની સીધી અસર ભારતીયો પર પડી છે. રિમોટ વિઝા રિન્યુઅલ નાબૂદ કરવામાં આવ્યા છે, નવી અરજીઓ પર ભારે ફી લાદવામાં આવી છે, અને વિઝા જારી કરતા પહેલા સોશિયલ મીડિયા સ્ક્રીનીંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આનાથી ઘણા ભારતીય પ્રોફેશનલ્સ ફસાયેલા છે. ઇમિગ્રેશન વકીલો અને માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓને બિન-આવશ્યક વિદેશ યાત્રા ટાળવાની સલાહ આપી છે.