
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાની ટેરિફ નીતિ હવે નિષ્ફળ જવાની શક્યતા દેખાઈ રહી છે. ભારત સહિત કુલ 11 દેશો અમેરિકાને મોટો ફટકો આપવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ બદલાવ વૈશ્વિક રાજકીય અને આર્થિક સમીકરણોને નવી દિશામાં લઈ જઈ રહ્યો છે.
ભારત 1 જાન્યુઆરી, 2026થી બ્રિક્સ દેશોના અધ્યક્ષપદની જવાબદારી સંભાળશે. આ અધ્યક્ષપદ એવા સમયે ભારતને મળ્યું છે જ્યારે અમેરિકાની ટેરિફ નીતિએ ભારત, ચીન અને રશિયા જેવા શક્તિશાળી દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે. આ કારણે અમેરિકા હવે બ્રિક્સ દેશોને લઈને વધુ ચિંતિત બની ગયું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં બ્રિક્સ સભ્ય દેશો પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેના જવાબમાં બ્રિક્સ અને બ્રિક્સ+ દેશો કૃષિ ક્ષેત્રમાં પોતાનું યોગદાન વધારી રહ્યા છે. ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત અને મજબૂત નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે.
બ્રિક્સ દેશો માત્ર કૃષિ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ વેપાર, ટેકનોલોજી ટ્રાન્સફર, વૈશ્વિક આબોહવા પરિવર્તન અને અન્ય અનેક ક્ષેત્રોમાં પણ સહકાર વિસ્તારી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે 2026ના અંત સુધીમાં અમેરિકાને મોટો આર્થિક અને રાજકીય ફટકો પડી શકે છે, જેના કારણે તેનું વૈશ્વિક વર્ચસ્વ ઘટી શકે છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, ક્રૂડ ઓઇલ ઉત્પાદન, સોનાનો ભંડાર, આર્થિક મજબૂતી અને ખાદ્ય સ્વનિર્ભરતા જેવા પરિબળો વૈશ્વિક સોદાબાજી શક્તિ નક્કી કરે છે. બ્રિક્સ જૂથમાં હાલ 11 દેશો સામેલ છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકન ડોલરને નબળું પાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના આશરે 42 ટકા ઉત્પાદન બ્રિક્સ સભ્ય દેશોમાં થાય છે. બ્રિક્સમાં ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયા જેવા દેશો સામેલ છે, જે વૈશ્વિક ઊર્જા બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બ્રિક્સ દેશો વૈશ્વિક GDPમાં લગભગ 29 ટકા ફાળો આપે છે. ચીન, ભારત, બ્રાઝિલ અને રશિયા જેવી અર્થવ્યવસ્થાઓ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. અમેરિકાની ટેરિફ નીતિના પરિણામે રશિયા, ચીન અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે.
આ ઉપરાંત, બ્રિક્સ દેશોએ અમેરિકન ડોલરને પડકાર આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. બ્રિક્સ દેશો વચ્ચે સ્થાનિક કરન્સી, ખાસ કરીને રૂપિયામાં વેપારને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયને અમેરિકા માટે મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માનવામાં આવી રહ્યો છે.
ચીને લગાવ્યો 20 અમેરિકન કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ..