Breaking News : અમેરિકાએ તેના પાક્કા દોસ્તારને આપ્યો દગો, કહ્યું… બધુ જાતે જોઈ લો, હવે તમારી જવાબદારી

અમેરિકા દક્ષિણ કોરિયા પર સુરક્ષા જવાબદારીઓ ઢોળી રહ્યું છે. ઉત્તર કોરિયાના વધતા ખતરા વચ્ચે પેન્ટાગોનની નવી વ્યૂહરચના સિઓલને ચિંતિત કરે છે.

Breaking News : અમેરિકાએ તેના પાક્કા દોસ્તારને આપ્યો દગો, કહ્યું... બધુ જાતે જોઈ લો, હવે તમારી જવાબદારી
| Updated on: Jan 24, 2026 | 3:33 PM

અમેરિકાએ તેના સૌથી નજીકના મિત્રને ‘દગો’ આપ્યો હોવાની ચર્ચા તેજ બની છે. “હવે તમારી પોતાની જવાબદારી લો” એવા સંકેતો સાથે અમેરિકાના બદલાતા વલણથી દક્ષિણ કોરિયામાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઉત્તર કોરિયાના વધતા ખતરા વચ્ચે પેન્ટાગોનની નવી વ્યૂહરચનાએ સ્પષ્ટ કરી દીધું છે કે હવે સિઓલને પોતાની સુરક્ષાની મુખ્ય જવાબદારી જાતે જ સંભાળવી પડશે. દાયકાઓથી યુએસની સુરક્ષા છત્રછાયામાં રહેલું દક્ષિણ કોરિયા હવે અસ્વસ્થ અને અનિશ્ચિત સ્થિતિમાં આવી ગયું છે.

અમેરિકાએ આ મુદ્દે પીછેહઠ કરી

ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ ખતરાઓ સામે દક્ષિણ કોરિયા અત્યાર સુધી અમેરિકા પર આધાર રાખતું આવ્યું છે. પરંતુ હવે પેન્ટાગોનની નવી રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના પરથી એવું સ્પષ્ટ થાય છે કે અમેરિકા આ મુદ્દે પીછેહઠ કરી રહ્યું છે. નવી નીતિ અનુસાર, ઉત્તર કોરિયાને રોકવાની પ્રાથમિક જવાબદારી હવે દક્ષિણ કોરિયાની રહેશે, જ્યારે અમેરિકાની ભૂમિકા માત્ર મર્યાદિત સહાય પૂરતી રહેશે. આ બદલાવ દક્ષિણ કોરિયા માટે કોઈ આઘાતથી ઓછો નથી.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના દસ્તાવેજ મુજબ, દક્ષિણ કોરિયા હવે પોતાની લશ્કરી ક્ષમતાના આધારે ઉત્તર કોરિયાનો સામનો કરવા સક્ષમ છે. અમેરિકા જરૂર પડે ત્યારે સહાય કરશે, પરંતુ અગાઉ જેવી સક્રિય અને સીધી ભાગીદારી નહીં કરે. આ નીતિ એવા સમયગાળામાં સામે આવી છે જ્યારે ઉત્તર કોરિયા સતત મિસાઇલ પરીક્ષણો કરી રહ્યું છે અને પરમાણુ હુમલાની ધમકીઓ આપી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અમેરિકાનો આ અભિગમ દક્ષિણ કોરિયાની સુરક્ષા ચિંતાઓને વધુ ઊંડો બનાવે છે.

સંરક્ષણ બજેટમાં 7.5 ટકા વધારો

હાલમાં દક્ષિણ કોરિયામાં લગભગ 28,500 અમેરિકી સૈનિકો તૈનાત છે, જેમને વર્ષોથી ઉત્તર કોરિયા સામે સુરક્ષાનો મજબૂત આધાર માનવામાં આવે છે. પરંતુ જ્યારે અમેરિકા ખુદ કહી રહ્યું છે કે તેની ભૂમિકા મર્યાદિત રહેશે, ત્યારે સંકટ સમયે વોશિંગ્ટન કેટલું સમર્થન આપશે તે અંગે પ્રશ્નો ઊભા થાય છે. દક્ષિણ કોરિયાએ આ વર્ષે પોતાના સંરક્ષણ બજેટમાં 7.5 ટકા વધારો કર્યો છે અને તેની લશ્કરી શક્તિ અંદાજે 4.5 લાખ સૈનિકોની છે, છતાં ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રો સામે આ આત્મનિર્ભરતા હજુ અધૂરી માનવામાં આવે છે.

મીડિયા અહેવાલો અનુસાર, આ ફેરફાર ટ્રમ્પ વહીવટીતંત્રની ‘જોડાણ આધુનિકીકરણ’ નીતિનો ભાગ છે. આ નીતિ હેઠળ અમેરિકા હવે પોતાના સાથી દેશો પાસેથી વધુ જવાબદારી લેવાની અપેક્ષા રાખે છે. વાસ્તવમાં, અમેરિકા પોતાના સૈનિકોને માત્ર કોરિયન દ્વીપકલ્પ સુધી મર્યાદિત રાખવા માંગતું નથી. પેન્ટાગોન ઇચ્છે છે કે જરૂર પડે ત્યારે આ દળોનો ઉપયોગ ચીનને રોકવા, તાઇવાનની સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના અન્ય વિસ્તારોમાં કરી શકાય.

પરમાણુ શસ્ત્રોને નાબૂદ કરવાને બદલે તેને ‘મેનેજ’ કરવાની દિશામાં આગળ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે નવી વ્યૂહરચનામાં કોરિયન દ્વીપકલ્પના સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણનો ઉલ્લેખ જ નથી. અગાઉ અમેરિકાની નીતિ ઉત્તર કોરિયાને સંપૂર્ણપણે પરમાણુ મુક્ત બનાવવાની હતી, પરંતુ હવે સંકેતો મળી રહ્યા છે કે યુએસ પરમાણુ શસ્ત્રોને નાબૂદ કરવાને બદલે તેને ‘મેનેજ’ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ બદલાવ માત્ર દક્ષિણ કોરિયા માટે નહીં, પરંતુ સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્ર માટે નવા ભૂરાજનીતિક પ્રશ્નો ઊભા કરે છે.

ચીન નહીં હવે ભારતમાં બનશે દુનિયાનો સામાન, જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 3:22 pm, Sat, 24 January 26