Breaking News: અમેરિકાથી સીધા ભારત ડિપોર્ટ કરાશે ! ગેરકાયદેસર ટ્રક ડ્રાઇવિંગ કરતા ભારતીયો સામે યુએસ પ્રશાસન એક્શનમાં

ભારતના આશરે 30 ટ્રક ડ્રાઇવર, જેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. તે તમામ લોકોની એક ફેડરલ ઓપરેશન હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ તેમને દેશમાંથી (અમેરિકાથી) હાંકી કાઢવામાં આવશે.

Breaking News: અમેરિકાથી સીધા ભારત ડિપોર્ટ કરાશે ! ગેરકાયદેસર ટ્રક ડ્રાઇવિંગ કરતા ભારતીયો સામે યુએસ પ્રશાસન એક્શનમાં
| Updated on: Jun 02, 2026 | 7:54 PM

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ સામે ત્યાંની સરકારે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા એક મોટા ફેડરલ ઓપરેશન દરમિયાન 30 જેટલા ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ત્યાં ગેરકાયદેસર રીતે ટ્રક ડ્રાઇવિંગનું કામ કરી રહ્યા હતા.

કુલ 52 લોકોની કરવામાં આવી ધરપકડ

અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શને (CBP) સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે, એરિઝોનામાં યુમા સેક્ટરના બોર્ડર પેટ્રોલિંગ એજન્ટોએ 11 થી 15 મે દરમિયાન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહેલા 52 લોકોની ‘ઓપરેશન ચેકમેટ’ હેઠળ ધરપકડ કરી, જેમાંથી 36 લોકો ટ્રક ચલાવતા જોવા મળ્યા હતા. ધરપકડ કરાયેલા આ ગેરકાયદેસર ટ્રક ચાલકોમાં 30 ભારતથી છે, જ્યારે બાકીના 6 મેક્સિકો, અલ સાલ્વાડોર અને રશિયાના છે.

કેટલાક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું

અધિકારીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા લોકો પાસેથી કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વર્જીનિયા જેવા રાજ્યોના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યા હતા, જ્યારે કેટલાક પાસે કોઈ પણ પ્રકારનું ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું.

આમાંના મોટાભાગના લોકો પાસે એવા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ (રોજગાર અધિકૃતતા દસ્તાવેજો) હતા, જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના નેતૃત્વવાળી વહીવટી સરકાર દરમિયાન મેળવવામાં આવ્યા હતા. જો કે, હવે તે માન્ય નથી. તમામ લોકો સામે સંઘીય કાયદા (ફેડરલ લો) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હવે તેમને દેશનિકાલ (ડિપોર્ટ) કરવામાં આવશે.

જાહેર સુરક્ષા માટે ‘મોટો ખતરો’

ઓપરેશન ચેકમેટનો ઉદ્દેશ્ય દેશમાં ગેરકાયદેસર રીતે રહી રહેલા અને કોમર્શિયલ મોટર વાહન ચલાવી રહેલા લોકોની શોધ કરીને તેમની ધરપકડ કરવાનો તેમજ ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરીને જાહેર સુરક્ષાને મજબૂત કરવાનો છે.

યુએસ બોર્ડર પેટ્રોલના યુમા સેક્ટરના એક્ટિંગ ચીફ પેટ્રોલ એજન્ટ ડસ્ટિન કોડલે જણાવ્યું હતું કે, ‘ઓપરેશન ચેકમેટ સમુદાયો અને રસ્તાઓને એવા ચાલકોથી સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે, જેઓ ગેરકાયદેસર રીતે રહીને વાહન ચલાવે છે અને જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.’

જાણો ટ્રક ડ્રાઇવરોને લઈને ટ્રમ્પ શાસનનો નવો નિયમ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી વહીવટી સરકાર હેઠળ પરિવહન વિભાગે અયોગ્ય વિદેશી ડ્રાઇવરોને કોમર્શિયલ ટ્રક અને બસ ચલાવવા માટે લાઇસન્સ મેળવતા રોકવાનો આદેશ જાહેર કર્યો છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં કોમર્શિયલ વાહન ચલાવતી વખતે જીવલેણ અકસ્માત કરવાના આરોપમાં ભારતીય મૂળના ટ્રક ચાલકોની ધરપકડ અને તેમની સામે આરોપો નક્કી થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરી

Follow Us