
દુનિયાનો નકશો આપણે શાળા, પુસ્તકો, ટીવી અને ઈન્ટરનેટ પર વર્ષોથી એકસરખો જોતાં આવ્યા છીએ. પરંતુ આ નકશામાં દુનિયાના કેટલાક દેશો અને ખંડોનું કદ વાસ્તવિકતા કરતાં મોટું કે નાનું દેખાય છે. હવે આ મુદ્દે યુનિટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ મોટો નિર્ણય લીધો છે.
4 સપ્ટેમ્બર 2026ના રોજ યુનિટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ એવા નકશાને પ્રોત્સાહન આપવાની દરખાસ્તને સમર્થન આપ્યું છે, જેમાં દુનિયાના ખંડોનું કદ વધુ સાચા પ્રમાણમાં બતાવવામાં આવે છે. ખાસ કરીને આ નકશામાં આફ્રિકાનું કદ વધુ વાસ્તવિક દેખાય છે.
આ દરખાસ્તને 164 દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે અમેરિકાએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. બીજી તરફ Serbia, Estonia, Georgia, Lithuania, Moldova અને Ukraine એમ છ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો એટલે તેમણે abstain એટલે કે આ નિર્ણયથી દૂર રહવાનું નક્કી કર્યું હતું.
આ દરખાસ્ત ટોગો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેને આફ્રિકન યુનિયનના સભ્ય દેશોનું સમર્થન મળ્યું હતું.
અત્યારે દુનિયામાં સૌથી વધુ જાણીતો નકશો મર્કેટર મેપ છે. આ નકશો 16મી સદીમાં ફ્લેમિશ કાર્ટોગ્રાફેર ગેરાર્ડસ મર્કેટરએ બનાવ્યો હતો. આ નકશો ખાસ કરીને સમુદ્રમાં જહાજોને રસ્તો શોધવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
હવે ઇક્વલ અર્થ મેપ પ્રોજેકશન ચર્ચામાં આવ્યું છે. આ પ્રોજેકશન વર્ષ 2018માં કાર્ટોગ્રાફર્સ Bojan Šavrič, Bernhard Jenny અને Tom Pattersonએ તૈયાર કર્યું હતું.
UNનો આ નિર્ણય એવો નથી કે હવે મર્કેટર મેપ પર પ્રતિબંધ લાગી ગયો છે. તેમજ દુનિયાના તમામ નકશામાં મર્કેટર મેપને હટાવીને ઇક્વલ અર્થ મેપ ફરજિયાત કરવામાં આવ્યો નથી.
આફ્રિકાના દેશો અને કેટલીક સંસ્થાઓ લાંબા સમયથી કહેતા આવ્યા છે કે જૂના વિશ્વ નકશામાં આફ્રિકાનું કદ યોગ્ય રીતે દેખાતું નથી. ‘Correct the Map’ નામના અભિયાન દ્વારા પણ આ મુદ્દો દુનિયા સામે મૂકવામાં આવ્યો હતો.
આ અભિયાન સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે નકશામાં કોઈ ખંડને તેના વાસ્તવિક કદ કરતાં નાનું બતાવવામાં આવે તો લોકોના મનમાં પણ તે ખંડના કદ અને મહત્વ વિશે ખોટી સમજ ઊભી થઈ શકે છે.
આ કારણે ઇક્વલ અર્થ જેવા નકશાને વધુ યોગ્ય અને સંતુલિત ભૌગોલિક રજૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ દરખાસ્ત ટોગોની આગેવાનીમાં UN સુધી પહોંચી હતી અને તેને આફ્રિકન યુનિયન સહિત અનેક દેશોનું સમર્થન મળ્યું હતું. મતદાનમાં 164 દેશોએ દરખાસ્તની તરફેણ કરી હતી.
UNમાં દરખાસ્તને મોટી બહુમતી મળવા છતાં અમેરિકાએ તેની વિરુદ્ધ મત આપ્યો હતો. અમેરિકાના પ્રતિનિધિએ આ નકશા અંગેની ચર્ચાને દુનિયાની બીજી મોટી અને તાત્કાલિક સમસ્યાઓની સરખામણીમાં ઓછી મહત્વની ગણાવી હતી. તેમણે આ પહેલ અંગે વાંધો પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ દરખાસ્તના સમર્થકોનું કહેવું છે કે દુનિયાને નકશા પર કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે પણ મહત્વનું છે. તેમના મતે નકશો માત્ર ભૂગોળ સમજવાનું સાધન નથી, પરંતુ તે લોકોની દુનિયા અંગેની સમજ પર પણ અસર કરે છે.
હાલમાં એવું કહેવું યોગ્ય નથી કે દુનિયાના તમામ નકશા તરત જ બદલાઈ જશે. UNની દરખાસ્તનો મુખ્ય હેતુ વધુ સાચા એરિયા ઇક્વલ પ્રોજેકશન્સના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેથી ભવિષ્યમાં શાળા-કોલેજના પુસ્તકો, સંસ્થાઓ અને કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પર ઇક્વલ અર્થ જેવા નકશાનો ઉપયોગ વધી શકે છે.
પરંતુ તેનો અર્થ એ નથી કે મર્કેટર મેપ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. દરિયાઈ નેવીગેશન જેવા ચોક્કસ કામ માટે મર્કેટર પ્રોજેકશન હજુ પણ ઉપયોગી છે. સરળ ભાષામાં કહીએ તો, UNનો સંદેશ એ છે કે દરેક કામ માટે એક જ નકશો યોગ્ય નથી. જો ખંડોનું સાચું કદ બતાવવું હોય તો એવા નકશાનો ઉપયોગ કરવો જોઈએ, જે જમીનના વિસ્તારોને વધુ વાસ્તવિક પ્રમાણમાં રજૂ કરે.
Published On - 9:50 am, Sat, 5 September 26