
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પના સત્તાવાર ફોટા સાથેની આ પોસ્ટમાં જણાવાયું છે કે તેઓ હાલમાં વેનેઝુએલાના “એક્ટિંગ પ્રેસિડેન્ટ” છે. તેમણેપોતાને યુનાઇટેડ સ્ટેટ્સના 45મા અને 47મા રાષ્ટ્રપતિ તરીકે પણ રજૂ કર્યા છે જેમણે 20 જાન્યુઆરી, 2025 ના રોજ પદ સંભાળ્યો હતો.
આ પોસ્ટ અમેરિકા દ્વારા તાજેતરમાં વેનેઝુએલા સામે “મોટા પાયે” લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી આવી છે. આ કાર્યવાહી દરમિયાન, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની, સિલિયા ફ્લોરેસને યુએસ લઈ જવામાં આવ્યા હતા અને હવે તેઓ ન્યૂયોર્કમાં કસ્ટડીમાં છે, જ્યાં તેઓ નાર્કો-ટેરરિઝમના આરોપો પર ન્યાયિક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જ્યાં સુધી સત્તાનું સુરક્ષિત, ન્યાયી અને સમજદારીપૂર્વક હસ્તાંતરણ ન થાય ત્યાં સુધી અમેરિકા વેનેઝુએલામાં સત્તા પર નિયંત્રણ રાખશે, અને દાવો કર્યો હતો કે અમેરિકા વેનેઝુએલાના લોકોના શ્રેષ્ઠ હિતમાં આ જવાબદારી નિભાવી રહ્યું છે.
અમેરિકાની લશ્કરી કાર્યવાહી બાદ ટ્રમ્પે વેનેઝુએલામાં સત્તાનો દાવો કર્યો
આ દરમિયાન, વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ અને તેલ મંત્રી ડેલ્સી રોડ્રિગ્ઝે દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, પરંતુ ટ્રમ્પના દાવાથી આ વચગાળાની સરકારની કાયદેસરતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને 30 થી 50 મિલિયન બેરલ “ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રતિબંધિત તેલ” પૂરા પાડશે, જે બજાર ભાવે વેચવામાં આવશે, અને તેમાંથી મળેલી રકમનો ઉપયોગ અમેરિકા અને વેનેઝુએલા બંનેના લાભ માટે કરવામાં આવશે. તેમણે યુએસ ઉર્જા સચિવ ક્રિસ રાઈટને આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો.
Published On - 2:15 pm, Mon, 12 January 26