
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો સામે ટ્રમ્પ વહીવટીતંત્ર વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, અમેરિકામાં રહેતા આશરે 18,000 ગેરકાયદેસર ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી હેઠળ અટકાયત, ડિટેન્શન સેન્ટરમાં રાખવા અને ત્યારબાદ દેશનિકાલ કરવાની યોજના તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે. અગાઉ પણ વર્ષ 2025 દરમિયાન અમેરિકાએ હજારો ભારતીયોને દેશનિકાલ કર્યા હતા. તે સમયે કેટલાક દેશનિકાલ કરાયેલા ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને લશ્કરી વિમાન મારફતે ભારત મોકલવામાં આવ્યા હતા, જેના ફોટા જાહેર થતાં ભારે ચર્ચા અને વિરોધ જોવા મળ્યો હતો.
અહેવાલો મુજબ, આ વખતે પણ દેશનિકાલની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકન વહીવટીતંત્ર લશ્કરી વિમાનનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને ન્યૂ યોર્ક, ટેક્સાસ, કેલિફોર્નિયા અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
ICE (Immigration and Customs Enforcement)ના અધિકારીઓ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગ્ય દસ્તાવેજો વગર રહેતા લોકોની અટકાયત કરીને તેમને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવે છે.
દેશનિકાલ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ વહીવટીતંત્રે એલ પાસો અને કેલિફોર્નિયામાં આવેલા કેટલાક મોટા વેરહાઉસને ડિટેન્શન સેન્ટરમાં ફેરવ્યા હોવાનું કહેવાય છે. આ સુવિધાઓ માટે અંદાજે ₹16,500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ કેન્દ્રો હવે ICEના સંચાલનમાં છે અને અહીં હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ન્યૂ યોર્કના ઇમિગ્રેશન વકીલ ગ્રેગ સિસ્કિન્ડના જણાવ્યા અનુસાર, અગાઉ દસ્તાવેજો વગર રહેતા લોકોને પોતાનો પક્ષ રજૂ કરવાની, અપીલ કરવાની અથવા કાનૂની મદદ મેળવવાની તક મળતી હતી. જોકે હવે ઘણા કેસોમાં દરોડા બાદ લોકોને સીધા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અમેરિકાની ફેડરલ વ્યવસ્થામાં દરેક રાજ્યના કાયદા અલગ હોઈ શકે છે, પરંતુ ICE સમગ્ર દેશમાં કાર્યવાહી કરી રહ્યું છે.
ભારત સરકાર દ્વારા જૂન 2026માં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2025 દરમિયાન અમેરિકાએ 3,567 ભારતીય નાગરિકોને દેશનિકાલ કર્યા હતા. જ્યારે જૂન 2026 સુધીમાં વધુ 1,076 ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
નોંધનીય છે કે 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકાએ પ્રથમ વખત 104 ભારતીયોને લશ્કરી વિમાન મારફતે અમૃતસર મોકલ્યા હતા. તે સમયે ઘણા લોકોના હાથમાં હાથકડી અને પગમાં બેડીઓ જોવા મળતાં આ મુદ્દે ભારતમાં ભારે રાજકીય અને જાહેર ચર્ચા શરૂ થઈ હતી. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.
US-ઈરાન યુદ્ધમાં હવે પાણી બન્યું નિશાન, શું 5 ગલ્ફ દેશો તરસ્યા રહેશે?
Published On - 8:13 pm, Sun, 19 July 26