
યુરોપના એક પગલાએ અમેરિકાની કઠોર નીતિને ઝાટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને પાછળ ધકેલનાર યુરોપનું “વેપાર બાઝૂકા” હાલ વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રીનલેન્ડ મુદ્દે ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પે અચાનક પોતાનો સ્વર બદલી નાખ્યો, જેના પાછળ યુરોપિયન યુનિયન (EU)ના આ શક્તિશાળી આર્થિક હથિયારને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની વાત કરી હતી અને તેના વિરોધમાં ઊભા રહેનારા દેશો પર ભારે ટેરિફ લાદવાની ખુલ્લી ધમકી આપી હતી. આ નિવેદન બાદ અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે બંને વચ્ચે એક નવું વેપાર યુદ્ધ શરૂ થવાનું છે. પરંતુ દાવોસ સમિટ દરમિયાન પરિસ્થિતિએ અચાનક વળાંક લીધો.
દાવોસમાં ટ્રમ્પે ન માત્ર ગ્રીનલેન્ડ માટે બળપ્રયોગની વાતથી પીછેહઠ કરી, પરંતુ યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લાદવાની ધમકી પણ પાછી ખેંચી લીધી. રાતોરાત આવેલા આ ફેરફારે સૌને ચોંકાવી દીધા. રાજકીય અને આર્થિક નિષ્ણાતો માને છે કે આ યુ-ટર્ન પાછળ યુરોપનો “વેપાર બાઝૂકા” જવાબદાર છે, જેણે અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી.
“વેપાર બાઝૂકા” કોઈ હથિયાર નથી, પરંતુ EUનું અત્યંત શક્તિશાળી આર્થિક સાધન છે. ટેકનિકલ રીતે તેને “એન્ટી-કોર્શન ઇન્સ્ટ્રુમેન્ટ” (Anti-Coercion Instrument – ACI) કહેવાય છે. જ્યારે કોઈ દેશ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ કરીને EUના સભ્ય દેશો અથવા તેમની કંપનીઓ પર દબાણ લાવે છે, ત્યારે EU આ સાધન દ્વારા જવાબ આપી શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેની અસરકારકતા જોઈ તેને “વેપાર બાઝૂકા” નામ આપ્યું હતું.
આ સાધન હેઠળ EU સામે ઉભેલા દેશ સામે કડક પગલાં લઈ શકે છે. તેમાં તે દેશમાંથી આવતી કે જતી માલ અને સેવાઓ પર પ્રતિબંધ, વેપાર રોકાણ પર અંકુશ અને સરકારી ટેન્ડરમાં ભાગ લેવા પર પ્રતિબંધ જેવી કાર્યવાહી સામેલ છે. આ પગલાં સીધા જ વિરોધી દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકા માટે આ બાઝૂકા ખાસ ભયજનક સાબિત થઈ શકે છે, કારણ કે યુરોપ પાસે 450 મિલિયન ગ્રાહકોનો વિશાળ બજાર છે. જો EU અમેરિકન કંપનીઓ માટે આ બજારના દરવાજા બંધ કરી દે, તો યુએસ અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થઈ શકે. ઉપરાંત, અમેરિકન કંપનીઓને યુરોપિયન યુનિયનના સરકારી પ્રોજેક્ટ્સ અને ટેન્ડરોમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
EUએ આ આર્થિક હથિયારની તૈયારી અગાઉથી જ કરી હતી. વર્ષ 2021માં ચીને લિથુઆનિયા પર વેપાર દબાણ લાદ્યું હતું, કારણ કે લિથુઆનિયાએ તાઇવાન સાથેના સંબંધો મજબૂત કર્યા હતા. આ ઘટનાથી પાઠ શીખીને યુરોપિયન કમિશને નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં કોઈ દેશ EU સામે આર્થિક બ્લેકમેલિંગ કરે તો તેનો કડક જવાબ આપવા માટે મજબૂત વ્યવસ્થા હોવી જરૂરી છે.
યુરોપિયન કમિશન અનુસાર, “વેપાર બાઝૂકા”નો હેતુ તેનો વાસ્તવિક ઉપયોગ કરવો નહીં, પરંતુ તેની ધમકી દ્વારા વિરોધી દેશને પીછેહઠ કરવા મજબૂર કરવો છે. આ શસ્ત્ર ત્યારે સૌથી સફળ માનવામાં આવે છે જ્યારે તેનો ઉપયોગ કરવાની જરૂર જ ન પડે. ટ્રમ્પના કિસ્સામાં પણ એવું જ લાગતું છે કે EUની આ આર્થિક ચેતવણી અસરકારક સાબિત થઈ છે.
ઝેલેન્સકી સાથે બેઠક બાદ જગત જમાદાર ટ્રમ્પનું નિવેદન, જાણો
Published On - 8:19 pm, Fri, 23 January 26