Nobel Prize: સ્વીડનના સ્વાંતે પાબોને લુપ્ત પ્રજાતિઓના જીનોમ સંશોધન માટે મળ્યો નોબેલ

સ્વાંતે પાઈબોને ફિઝિયોલોજી - મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર લુપ્ત થઈ ગયેલા હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જીનોમ સાથે સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે.

Nobel Prize: સ્વીડનના સ્વાંતે પાબોને લુપ્ત પ્રજાતિઓના જીનોમ સંશોધન માટે મળ્યો નોબેલ
Svante Paabo, Nobel Prize Winner
| Edited By: | Updated on: Oct 03, 2022 | 4:02 PM

સ્વીડનના સ્વાંતે પાબોને (svante paabo) ફિઝિયોલોજી – મેડિસિનનું નોબેલ પારિતોષિક (Nobel Prize) એનાયત કરવામાં આવ્યું છે. તેમને આ પુરસ્કાર વિશ્વમાંથી લુપ્ત થઈ રહેલ હોમિનિન અને માનવ ઉત્ક્રાંતિના જિનેટિક્સ (જીનોમ) સંબંધિત તેમની શોધ માટે આપવામાં આવ્યો છે.

પાબો પેલેઓજેનેટિક્સના સ્થાપકોમાંના એક છે જેમણે નિએન્ડરથલ જીનોમ પર વ્યાપકપણે કામ કર્યું છે. તેઓ જર્મનીના લેઇપ્ઝિંગમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇવોલ્યુશનરી એન્થ્રોપોલોજી ખાતે મેન્જેનેટિક્સ વિભાગના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે.

પોતાના અભૂતપૂર્વ સંશોધન દ્વારા, સ્વાંતે પાબોએ સંપૂર્ણપણે નવી વૈજ્ઞાનિક શિસ્ત, પેલેઓજેનોમિક્સની સ્થાપના કરી છે. પ્રારંભિક શોધો પછી, તેમના જૂથે લુપ્ત થઈ ગયેલા હોમિનિનમાંથી કેટલાક વધારાના જીનોમ સિક્વન્સનું વિશ્લેષણ પૂર્ણ કર્યું છે. પાબોની શોધોએ એક અનન્ય સંસાધન સ્થાપિત કર્યું છે, જેનો ઉપયોગ વૈજ્ઞાનિક સમુદાય દ્વારા માનવ ઉત્ક્રાંતિ અને સ્થળાંતરને વધુ સારી રીતે સમજવા માટે કરવામાં આવે છે.

નોબેલ સમિતિના સચિવ થોમસ પર્લમેને સોમવારે સ્વીડનના સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ ખાતે પુરસ્કાર વિજેતાની જાહેરાત કરી હતી. ચિકિત્સા ક્ષેત્રના નોબેલ પુરસ્કારની સાથે જ નોબેલ પુરસ્કારોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. મંગળવારે ભૌતિકશાસ્ત્ર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્ય ક્ષેત્રે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષ (2022) માટે નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પુરસ્કારની જાહેરાત 10 ઓક્ટોબરે કરવામાં આવશે.

નોબેલની સ્થાપના કોણે કરી હતી?

ચિકિત્સા, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિના નોબેલ પારિતોષિકોની સ્થાપના શ્રીમંત સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનામાઈટના શોધક સર આલ્ફ્રેડ નોબેલની વસિયતના આધારે કરવામાં આવી હતી. પ્રથમ નોબેલ પુરસ્કાર સર આલ્ફ્રેડ નોબેલના મૃત્યુના પાંચ વર્ષ પછી વર્ષ 1901માં એનાયત કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રમાં નોબેલ, સત્તાવાર રીતે આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં બેંક ઓફ સ્વીડન પુરસ્કાર તરીકે ઓળખાય છે, તે સ્વીડનની મધ્યસ્થ બેંક દ્વારા 1968 માં શરૂ કરવામાં આવ્યું હતું.

Published On - 3:55 pm, Mon, 3 October 22