રશિયાએ (Russia) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને (United Nations Security Council) જાણ કરી છે કે પૂર્વી યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરમાં તેની સૈન્ય કાર્યવાહીથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students in Ukraine) અને અન્ય વિદેશીઓને બહાર કાઢવાના તેના પ્રયાસો ચાલુ છે. સરહદ પર બસો તૈયાર છે. યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યામાં યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલા બાદ અલ્બેનિયા, ફ્રાન્સ, આયર્લેન્ડ, નોર્વે, બ્રિટન અને અમેરિકાની માંગ પર શુક્રવારે સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
બેઠક દરમિયાન, રશિયાના સ્થાયી પ્રતિનિધિ અને સંયુક્ત રાષ્ટ્રમાં રાજદૂત વેસિલી નેબેન્ઝિયાએ કહ્યું કે રશિયન સૈનિકો યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને શાંતિપૂર્ણ રીતે બહાર કાઢવાની ખાતરી કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે યુક્રેનિયન રાષ્ટ્રવાદીઓએ પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં 3700 ભારતીય વિદ્યાર્થીઓને “બળજબરીથી” બંધક બનાવી રાખ્યા હતા.
નેબેન્ઝિયાએ કહ્યું, ‘સામાન્ય લોકોને શહેર છોડવા દેતા નથી. આની અસર માત્ર યુક્રેનના લોકો જ નહીં પરંતુ વિદેશીઓ પર પણ પડી રહી છે. યુક્રેનિયન નાગરિકો દ્વારા ઘણા વિદેશીઓની બળજબરીથી અટકાયત કરવામાં આવી હોવાની બાબત આઘાતજનક છે. ખાર્કિવમાં 3,189 ભારતીયો, 2700 વિયેતનામના, અને 202 ચીનના નાગરિકો છે. એ જ રીતે સુમીમાં 507 ભારતીયો, 101 ઘાનાના અને 121 ચીનના નાગરિકો છે.
“ખાર્કિવ અને સુમી જવા માટે અને ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને બહાર કાઢવા માટે આજે સવારે 6 વાગ્યાથી રશિયાના બેલગોરોડ વિસ્તારમાં 130 આરામદાયક બસો ‘નેખોટીવકા’ અને ‘સુડઝા’ બોર્ડર પોસ્ટ પર પાર્ક કરવામાં આવી છે,” તેમણે કહ્યું. તે અસ્થાયી આવાસ ચેકપોઇન્ટ પર આરામ કરવા માટે અને ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે દવાઓ સાથે મોબાઈલ મેડિકલ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ‘બધા જ ખાલી કરાયેલા લોકોને બેલગોરોડ લઈ જવામાં આવશે અને ત્યાંથી તેમને તેમના દેશોમાં મોકલવામાં આવશે’. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો પર, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કોઈ ભારતીય વિદ્યાર્થીને બંધક બનાવ્યાના સમાચાર નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ