યુક્રેન સાથે ચાલી રહેલા વિવાદ (Russia Ukraine Conflict) વચ્ચે રશિયાએ (Russia) મોટી જાહેરાત કરી છે. તેણે ક્રિમીઆમાં ક્રિમીઆ મિલિટરી ડ્રીલ (Crimea Military Drills) સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. એ પણ જણાવ્યું કે, સૈનિકોએ પરત ફરવાનું શરૂ કરી દીધું છે. સમાચાર એજન્સી AFPએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તે યુક્રેન સરહદ પરથી કેટલાક સૈનિકોને હટાવી રહ્યું છે. આ સૂચવે છે કે રશિયન સૈનિકો યુક્રેન નજીક અભ્યાસ પૂર્ણ કરીને તેમના સૈન્ય મથક પર પાછા ફરી રહ્યા છે. જોકે યુક્રેન હજુ પણ રશિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરતું નથી.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, ‘દક્ષિણ સૈન્ય ડિસ્ટ્રિક્ટના એકમોએ વ્યૂહાત્મક અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. હવે તે તેના પરમેનન્ટ ડિપ્લોયમેન્ટ પોઈન્ટ પર જઈ રહી છે.’ આ સાથે જ સરકારી ટેલિવિઝન કેટલીક તસવીરો પણ બતાવી રહ્યું છે. જેમાં સૈનિકો રશિયાના નિયંત્રણવાળા વિસ્તારને મેઈનલેન્ડ સાથે જોડતા પુલને પાર કરતા જોવા મળે છે. નિવેદનમાં જણાવાયું છે કે-ટેન્ક, પાયદળના વાહનો અને આર્ટિલરી ક્રિમીયાથી રેલ દ્વારા પરિવહન કરવામાં આવી રહી છે. આના એક દિવસ પહેલા જ રશિયાએ કહ્યું હતું કે, તે તેના પાડોશી યુક્રેનની સરહદો પર તૈનાત કેટલાક સૈનિકોને પાછા ખેંચી રહ્યું છે.
રશિયા પણ હુમલાનો સતત ઇનકાર કરી રહ્યું છે, પરંતુ પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને પોતાના સંબોધનમાં કહ્યું કે, રશિયન હુમલાની શક્યતા હજુ પણ છે અને અમેરિકા આ હુમલાનો ‘નિર્ણાયક’ જવાબ આપવા માટે તૈયાર છે. તેણે મોસ્કોને યુદ્ધ ન કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ગમે તે થાય, અમેરિકા તેના માટે તૈયાર છે. અમે યુરોપમાં સ્થિરતા અને સલામતી સુધારવા માટે રશિયા અને અમારા સાથી દેશો સાથે રાજદ્વારી રીતે વાટાઘાટો કરવા તૈયાર છીએ.
બાયડેને કહ્યું કે ‘યુક્રેનની સરહદ પર હજુ પણ 1,50,000થી વધુ રશિયન સૈનિકો એકત્ર છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આજે કહ્યું કે, યુક્રેન નજીકના કેટલાક સૈન્ય એકમો તેમની હાજરી છોડી રહ્યા છે. તે સારૂં છે, પરંતુ અમે હજી સુધી તેની પુષ્ટિ કરી નથી. અમારા વિશ્લેષકોએ સંકેત આપ્યો છે કે, તેઓ હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં હાજર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો રશિયા આગામી દિવસોમાં અથવા અઠવાડિયામાં યુક્રેન પર હુમલો કરશે તો યુક્રેન માટે માનવીય નુકસાન ખૂબ જ મોટું હશે અને રશિયા માટે વ્યૂહાત્મક નુકસાન ઘણું મોટું હશે.