ઋષિ સુનક બન્યા બ્રિટનના 57માં વડાપ્રધાન, કિંગ ચાર્લ્સે લેવડાવ્યાં શપથ, નવા મંત્રીમંડળની કરાશે જાહેરાત

ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેઓ બ્રિટનના 57માં વડાપ્રધાન બન્યા છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ તેમને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની કમાન સોંપવામાં આવી હતી. આ પહેલા તેઓ બોરિસ જોન્સનની સરકારમાં નાણા મંત્રી હતા. જોન્સન સરકારની નીતિઓના વિરોધમાં તેમણે રાજીનામું આપ્યું હતું.

ઋષિ સુનક બન્યા બ્રિટનના 57માં વડાપ્રધાન, કિંગ ચાર્લ્સે લેવડાવ્યાં શપથ, નવા મંત્રીમંડળની કરાશે જાહેરાત
King Charles and Rishi Sunak
| Edited By: | Updated on: Oct 25, 2022 | 4:53 PM

ભારતીય મૂળના ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના 57માં વડાપ્રધાન બન્યા છે. તેમને બ્રિટિશ કિંગ ચાર્લ્સ (King Charles) ત્રીજા દ્વારા, વડાપ્રધાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ લીધા પછી, ઋષિ સુનકે બ્રિટિશ કિંગના હાથને ચુંબન કરીને તેમની વફાદારીના શપથ લીધા હતા. શપથવિધીનો કાર્યક્રમ બકિંગહામ પેલેસમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેટલીક જાહેર તસવીરો બાદ કિંગ ચાર્લ્સ ત્રીજા અને વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચે ગુપ્ત બેઠક પણ થઈ હતી. આ મીટિંગનો કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. લિઝ ટ્રસના રાજીનામા બાદ સોમવારે ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. લિઝ ટ્રસને તેની આર્થિક નીતિઓ અને કેબિનેટ મંત્રીઓના રાજીનામા માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઋષિ સુનક એક વર્ષમાં ત્રીજા બ્રિટિશ વડાપ્રધાન છે.

સૌની નજર સુનકની કેબિનેટ પર છે

સુનકે વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ હવે તમામની નજર તેમના કેબિનેટ પર છે. સુનક થોડા કલાકોમાં તેની નવી ટીમની જાહેરાત કરી શકે છે. બ્રિટનના નાણામંત્રી, વિદેશ મંત્રી અને ગૃહમંત્રીના પદ પર સૌની નજર ટકેલી છે. બ્રિટનની ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટે, સુનકને સ્થાયી અને નિષ્ણાત નાણા પ્રધાનની જરૂર છે. સાથે જ તેને રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે એક મજબૂત વિદેશ મંત્રીની પણ જરૂર છે. સ્થળાંતર અને હિંદુ-મુસ્લિમ સંઘર્ષ સંબંધિત મુદ્દાને ઉકેલવા માટે મંત્રીમંડળની ટીમમાં યોગ્ય ગૃહ પ્રધાન હોવા પણ જરૂરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિઝ ટ્રસની કેબિનેટમાં નાણા મંત્રી જેરેમી હંટની ખુરશી પર કોઈ ખતરો નથી. તેઓ પહેલાથી જ ઋષિ સુનકના કટ્ટર સમર્થક રહ્યા છે.

આ બ્રિટિશ નેતાઓ મંત્રી બની શકે છે

ભૂતપૂર્વ કેબિનેટ સભ્ય ડોમિનિક રોબનું નામ ટોચના હોદ્દા માટે ઉલ્લેખિત અન્ય નામોમાં મુખ્ય છે. કન્ઝર્વેટિવ પાર્ટીની લીડરશીપ રેસમાં લિઝ ટ્રસ સામે હાર્યા પછી પણ તેઓ ઋષિ સુનકને વફાદાર રહ્યા. આ ઉપરાંત મંત્રી તરીકે પેની મોર્ડન્ટના નામની પણ ચર્ચા છે. મોર્ડન્ટે છેલ્લી બે નેતૃત્વની ચૂંટણીઓમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ પ્રથમ રાઉન્ડમાં તેનો પરાજય થયો હતો. આ સિવાય પૂર્વ મંત્રી માઈકલ ગોવ અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ઓલિવર ડાઉડેનનું નામ પણ ચર્ચામાં છે. આ નેતાઓને સુનક કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે.