રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે, રશિયાના ( Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) મંગળવારે કહ્યું કે રશિયા તેનો હેતુ પૂરો ન થાય ત્યાં સુધી યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. પુતિને કહ્યું કે સૈન્ય અભિયાન યોજના મુજબ જ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે સૈન્ય ઝડપથી આગળ એટલા માટે નથી વધી રહ્યું કારણ કે રશિયા પોતાને થનારા નુકસાનને ઓછું કરવા માંગે છે. રશિયાના પૂર્વમાં વોસ્ટોચની સ્પેસ લૉન્ચ સેન્ટરની મુલાકાત દરમિયાન પુતિને જણાવ્યું હતું કે, “જ્યાં સુધી નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુક્રેનમાં (Ukraine) લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે.”
પુતિને દાવો કર્યો હતો કે ઇસ્તંબુલમાં રશિયન વાટાઘાટોકારો સાથેની વાતચીત દરમિયાન યુક્રેને પ્રસ્તાવોમાંથી પીછેહઠ કરી હતી, પરિણામે મંત્રણામાં મડાગાંઠ સર્જાઈ હતી અને રશિયા પાસે તેના આક્રમક અભિગમ સાથે આગળ વધવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પશ્ચિમી અધિકારીઓના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીએ, રશિયાએ કિવ પર કબજો કરવા, સરકારને ઉથલાવી પાડવા અને મોસ્કો માટે અનુકૂળ વાતાવરણ સ્થાપિત કરવાના લક્ષ્યો સાથે કિવ પર હુમલો કર્યો. છ અઠવાડિયા પછી, રશિયાનું ગ્રાઉન્ડ અભિયાન અટકી ગયું અને તેના દળોને ભારે નુકસાન થયું.
પુતિને મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની લશ્કરી કાર્યવાહીનો હેતુ મોસ્કો સમર્થિત બળવાખોરો દ્વારા નિયંત્રિત પૂર્વ યુક્રેનના વિસ્તારોમાં લોકોની સુરક્ષા અને “રશિયાની પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો” હતો. ડોનબાસમાં એક વ્યૂહાત્મક બંદર શહેર મારિયુપોલમાં, સ્ટીલ મિલની રક્ષા કરતી યુક્રેનિયન રેજિમેન્ટે દાવો કર્યો હતો કે ડ્રોને શહેર પર ઝેરી પદાર્થ છોડ્યો હતો. જો કે, તેના દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી. છેલ્લા છ અઠવાડિયાથી યુક્રેનના દક્ષિણ બંદર શહેર મારીયુપોલમાં રશિયન સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 10,000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. મારીયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ આ દાવો કર્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે કહ્યું કે તેમના દેશને અલગ કરી શકાય નહીં. પૂર્વ રશિયાના વોસ્ટોચની સ્પેસ લોન્ચ સેન્ટરની મુલાકાતે ગયેલા પુતિને કહ્યું કે રશિયાનો પોતાને અલગ કરવાનો કોઈ ઈરાદો નથી અને વિદેશી શક્તિઓ તેને અલગ કરવામાં સફળ નહીં થાય. તેમણે કહ્યું, ‘આજની દુનિયામાં, ખાસ કરીને રશિયા જેવા વિશાળ દેશમાં કોઈને પણ અલગ પાડવું ચોક્કસપણે અશક્ય છે.’ પુતિને કહ્યું, ‘અમે અમારા ભાગીદારો સાથે કામ કરીશું જેઓ સહયોગ કરવા માંગે છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી હાથ ધરાયા બાદ, પુતિનની વોસ્ટોચની આ મુલાકાત, મોસ્કોની બહાર તેમની પ્રથમ મુલાકાત છે. પુતિને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે અવકાશ સંસ્થાનની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ