પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો પણ અનાજની અછત વચ્ચે વીજળીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર ગિલગિટ શહેરના ઘણા વિસ્તારોમાં વીજળીના અભાવને કારણે છેલ્લા એક અઠવાડિયાથી લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે અને સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
શહેરમાં વાહનવ્યવહાર થંભી ગયો હતો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર વિરોધ કરનારાઓને કડક ચેતવણી આપી હતી અને જ્યાં સુધી વિજળી પાછી ન આવે ત્યાં સુધી પ્રદર્શન દરમિયાન હાઇવેને સંપૂર્ણ રીતે બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લોકો ઝડપથી વધી રહેલી મોંઘવારી અને બેરોજગારી સામે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
વિરોધ કરી રહેલા લોકો છેલ્લા ઘણા મહિનાઓથી સેનાની મનમાનીનો પણ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓએ સૈન્ય પર મોટા પાયે જમીન કબજે કરવાનો અને ખનિજ ખાણોને લઈ લેવાનો આરોપ લગાવ્યો છે. ઇકોનોમિક કોરિડોરના નામે ચીન અને પાકિસ્તાનના બિઝનેસ હાઉસ આ વિસ્તારના સ્થાનિક સંસાધનોને લૂંટી રહ્યા છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ મુજબ ગિલગિટ બાલ્ટિસ્તાનમાં લોકો સેના દ્વારા જમીન હડપ કરવાને લઈને વહીવટીતંત્ર અને સંઘીય સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અભૂતપૂર્વ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જે લોટની કિંમતોમાં વધારાને કારણે ઉભું થયું છે. નાગરિકોને સબસિડીવાળા ઘઉં પૂરા પાડતા સરકારી ડેપોને તાળા મારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેઓ સરકારની નીતિની નિષ્ફળતાને કારણે પૂરા કરવામાં અસમર્થ હતા, જેના પરિણામે ઘઉંના ભાવમાં મોટો વધારો થયો છે.
આ પણ વાચો: Drone: ભારતને મળશે વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન, ચીન-પાકિસ્તાનની ઉડશે ઉંઘ
પાકિસ્તાની મીડિયા મુજબ લોકો પાસે ભોજન બનાવવા માટે લોટ નથી. ઘઉંના ભાવમાં એક દિવસમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. લોટનો સરકારી ડેપો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારી અનાજની દૂકાનમાં પણ લોટ નથી. પીઓકેના લગભગ દરેક શહેરમાં લોકો વિરોધ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ, વકીલો, સિવિલ સોસાયટી અને મહિલાઓ પણ વિરોધ કરી રહી છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાન હાલમાં ભારે આર્થિક સંકટમાં છે. ફેડરલ સરકાર પાસેથી ફંડ રીલીઝ કરવા માંગે છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના ગવર્નર સૈયદ મેહદી શાહે આ પ્રદેશની નાણાકીય કટોકટી અંગે સરકાર પાસેથી નાણાકીય સહાયની માંગ કરી હતી. સૂત્રોએ પાકિસ્તાનની ન્યુઝ પોર્ટલ ડૉનને જણાવ્યું કે સંઘીય સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનને વાર્ષિક નાણાકીય વિકાસ અનુદાન બહાર પાડ્યું નથી, જ્યારે પ્રદેશ સંઘીય સરકારની નાણાકીય અનુદાન પર નિર્ભર છે.