પાકિસ્તાનમાં ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ સરકાર વિરુદ્ધ જેલ ભરો આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલન લાહોરથી શરૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે 8 દિવસ સુધી ચાલનારા પીટીઆઈના આ આંદોલનમાં દરરોજ 200 લોકો તેમની ધરપકડ કરાવશે. પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીની મહિલા નેતા શિરીન મજારીએ ટીવી 9 ભારતવર્ષને જણાવ્યું કે ઈમરાન ખાનનો પગ સાજા થવાની રાહ જોવાઈ રહી છે. આ પછી ઈમરાન ખાન પોતે ધરપકડ કરાવશે.
આ પણ વાંચો: ઝેલેન્સકીના અધિકારીએ NSA ડોભાલને કર્યો ફોન, ભારતને પાસે કરી આ માગણી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલ ભરો તહરીક આજથી શરૂ થઈ રહી છે. આ અંતર્ગત પંજાબ પ્રાંતની રાજધાની લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરશે. આ દરમિયાન ઈમરાનના 200થી વધુ સમર્થકોની અટકાયત થઈ શકે છે.
આ પહેલા પીટીઆઈ ચીફ ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે પોતાના સમર્થકોની ધરપકડ કરાવવા અને ભયનું વાતાવરણ ખતમ કરવાની અપીલ કરી હતી. પીટીઆઈ આ આંદોલન માનવાધિકાર ઉલ્લંઘન, વધતી મોંઘવારી અને આઈએમએફ સાથે દેવાની વાતચીતના મુદ્દે કરી રહી છે.
પીટીઆઈ સમર્થકો દેશના ફૈસલાબાદ, કાસુર અને શેખુપુરા જેવા વિવિધ શહેરોમાં રેલીઓ પણ કરશે. બીજી તરફ પીટીઆઈના જેલ ભરો આંદોલનને જોતા બુધવારે લાહોરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આંદોલનના પ્રથમ તબક્કા હેઠળ પંજાબના પૂર્વ ગવર્નર ઉમર સરફરાઝ ચીમા, સાંસદ વલીદ ઈકબાલ વગેરે સહિત પીટીઆઈના કેટલાક નેતાઓની ધરપકડ થઈ શકે છે.
આંદોલનના ભાગરૂપે, સેંકડો પીટીઆઈ કાર્યકરો બુધવારે લાહોરના ધ મોલ રોડથી જેલ રોડ સુધી કૂચ કરશે અને પોતાને ધરપકડ કરાવશે. સમાચાર અનુસાર જો પાકિસ્તાન સરકાર પીટીઆઈ કાર્યકર્તાઓની ધરપકડ નહીં કરે તો પીટીઆઈ કાર્યકર્તાઓ પંજાબ વિધાનસભાની બહાર પણ વિરોધ પ્રદર્શન કરશે.
લાહોર બાદ પીટીઆઈ સમર્થકો પેશાવર, રાવલપિંડી, મુલતાન, ગુંજાવાલા, સરગોધા, સાહિવાલમાં પણ જેલ ભરો આંદોલન કરશે. આ પહેલા ઈમરાન ખાને 22 ફેબ્રુઆરીથી જેલ ભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઈમરાને સરકાર પર પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બંને જગ્યાએ પ્રાંતીય એસેમ્બલીઓનું વિસર્જન કરવામાં આવ્યું છે, જો 90 દિવસમાં ચૂંટણી નહીં થાય તો 91માં દિવસે કાર્યવાહક સરકાર ગેરકાયદેસર ગણાશે અને તે બંધારણની કલમ 6નું ઉલ્લંઘન કરશે.