
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં પાકિસ્તાની શાસન સામે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા છે. જોઈન્ટ આવામી એક્શન કમિટી (JAAC)ના નેતૃત્વ હેઠળ હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે અને મુઝફ્ફરાબાદ તથા રાવલકોટ જેવા શહેરોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક સ્થળોએ તણાવ અને અથડામણોના અહેવાલો સામે આવ્યા છે. પ્રદર્શનકારીઓ પોતાના રાજકીય અધિકારો અને સ્વાયત્તતાની માંગ સાથે સતત આંદોલન ચલાવી રહ્યા છે.
JAACના નેતા સરદાર અમાન કાશ્મીરીએ એક જાહેર સભાને સંબોધતા સ્વતંત્ર વતનની માંગને ફરી એકવાર દોહરાવી હતી. મુઝફ્ફરાબાદ તરફ આયોજિત કૂચ પહેલાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ આંદોલન કોઈપણ સંજોગોમાં અટકશે નહીં. અમને આપણું પોતાનું વતન, પોતાના અધિકારો અને પોતાની સરકાર જોઈએ.” તેમના નિવેદન બાદ પ્રદર્શનકારીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમાન કાશ્મીરીએ એવો પણ આરોપ લગાવ્યો કે આંદોલનના કાર્યકરોને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક લોકો તેમના માથા પર ઈનામ જાહેર કરવાની વાતો કરી રહ્યા છે. તેમ છતાં તેમણે કહ્યું કે, “અમે ડરવાના નથી. અમે અમારા અધિકારો માટે જીવનું જોખમ ઉઠાવીને અહીં આવ્યા છીએ.”
મીડિયા અહેવાલો મુજબ, અમાન કાશ્મીરીએ દાવો કર્યો કે આંદોલનને સામાન્ય જનતા, મહિલાઓ, યુવાનો અને બાળકો સહિત સમાજના તમામ વર્ગોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, “અમને માતાઓના આશીર્વાદ, બાળકોનો વિશ્વાસ અને ભાવિ પેઢીઓની આશાઓનો સાથ છે. આ સંઘર્ષ અમારા ભવિષ્ય માટેનો છે.”
તેમણે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના મુખ્ય પ્રવાહના રાજકીય નેતાઓ પર પણ નિશાન સાધ્યું. અમાન કાશ્મીરીએ આરોપ લગાવ્યો કે સ્થાનિક નેતાઓ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી અને તેઓ પાકિસ્તાનની લશ્કરી સ્થાપના સાથે સાંઠગાંઠ કરીને સામાન્ય નાગરિકોના હિતોની અવગણના કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પરિવારો અને બાળકોની હાજરી પણ જોવા મળી રહી છે. અમાન કાશ્મીરીએ જણાવ્યું કે બાળકો દ્વારા પહેરવામાં આવેલા માથાના પટ્ટા તેમની પોતાની જમીન અને સ્વતંત્ર ઓળખની માંગનું પ્રતીક છે. તેમણે વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને અન્ય સમર્થકોનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે છેલ્લા ઘણા અઠવાડિયાથી આંદોલનને સતત સમર્થન આપ્યું છે.
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં હાલના વિરોધ પાછળનું સૌથી મોટું કારણ PoK વિધાનસભામાં શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી 12 બેઠકો છે. આ બેઠકો એવા લોકો માટે છે, જેઓ વર્ષો પહેલાં ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી સ્થળાંતર કરીને પાકિસ્તાનના પંજાબ, સિંધ સહિતના અન્ય વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા હતા.
સ્થાનિક લોકોનો આરોપ છે કે આ અનામત બેઠકોના કારણે પાકિસ્તાન સરકાર PoKના રાજકારણ અને શાસનમાં સીધી દખલગીરી કરે છે. તેમના મતે, આ વ્યવસ્થાના કારણે સ્થાનિક નાગરિકોના રાજકીય અધિકારો અને પ્રતિનિધિત્વ પર અસર પડે છે.
તાજેતરમાં એક અદાલતે આ 12 બેઠકોની વ્યવસ્થાને યથાવત રાખવાનો નિર્ણય આપ્યા બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. JAAC સહિતના વિવિધ સંગઠનો આ બેઠકો રદ કરવાની માંગ સાથે સતત આંદોલન ચલાવી રહ્યા છે અને પોતાના રાજકીય અધિકારો માટે સંઘર્ષ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
દાંત અને નખ વગરની ICC ને ખતમ કરવા માંગે છે અમેરિકા!