ફરીથી કોરોના(Corona)ના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતા મહિનાની શરૂઆતમાં વિદેશ પ્રવાસે જવાના છે. 2022માં પીએમ મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. તેઓ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન યુરોપના(Europe) 3 દેશોની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સ(France)માં સતત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 2 મેના રોજ યુરોપના પ્રવાસે જશે. તેઓ 3 દિવસ (02-04 મે 2022) માટે યુરોપના પ્રવાસે હશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની સત્તાવાર મુલાકાત લેશે. 2022માં વડાપ્રધાન મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. પીએમ મોદીની મુલાકાત જર્મનીથી શરૂ થશે. આ પછી તે ડેનમાર્ક જશે અને પ્રવાસના છેલ્લા તબક્કામાં તે ફ્રાન્સ જવા રવાના થશે.
મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેને 2 મહિના પૂરા થઈ ગયા છે. માનવામાં આવે છે કે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી યુદ્ધ ખતમ કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બર્લિનની તેમની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ ઇન્ટર-ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન્સ, ICGની છઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે. દ્વિવાર્ષિક IGC એ એક સંવાદ ફોર્મેટ છે જેમાં બંને પક્ષોના ઘણા મંત્રીઓની ભાગીદારી હોય છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વડાપ્રધાન મોદીની આ પ્રથમ IGC હશે તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સંયુક્ત રીતે એક બિઝનેસ ઈવેન્ટને સંબોધશે. તેમજ વડાપ્રધાન મોદી જર્મનીમાં ભારતીય સમુદાયને સંબોધશે અને વાતચીત કરશે.
જર્મનીની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ડેનમાર્ક જશે. ત્યાં તેઓ વડાપ્રધાન શ્રીમતી મેટ ફ્રેડરિકસેનના આમંત્રણ પર સત્તાવાર મુલાકાતે કોપનહેગન જશે. પીએમ મોદી ડેનમાર્ક દ્વારા આયોજિત બીજી ઈન્ડિયા-નોર્ડિક સમિટ (Second India-Nordic Summit)માં પણ હાજરી આપશે. તેમની મુલાકાતના ત્રીજા તબક્કામાં પીએમ મોદી 4 મેના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરે છે અને બંને નેતાઓ વચ્ચેની આ બેઠક વ્યૂહાત્મક ભાગીદારી માટે મહત્વાકાંક્ષી એજન્ડા નક્કી કરશે.
Published On - 1:01 pm, Wed, 27 April 22