સેશેલ્સ સાથે વિશ્વાસનો અતૂટ સંબંધ, નેશનલ એસેમ્બલીમાં PM મોદીએ ગણાવ્યો દાયકાઓ જૂનો નાતો

પ્રધાનમંત્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધી ભારત-સેશેલ્સના દાયકાઓ જૂના સંબંધો પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આ સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ લોકોના વિશ્વાસ અને ઐતિહાસિક જોડાણથી મજબૂત બન્યા છે.

સેશેલ્સ સાથે વિશ્વાસનો અતૂટ સંબંધ, નેશનલ એસેમ્બલીમાં PM મોદીએ ગણાવ્યો દાયકાઓ જૂનો નાતો
| Updated on: Jun 28, 2026 | 5:09 PM

સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશેલ્સ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતાં કહ્યું કે બંને દેશો વચ્ચેનો વિશ્વાસ માત્ર રાજદ્વારી સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ લોકો અને પરિવારોના સંબંધોથી વધુ મજબૂત બન્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના હિંદ મહાસાગર વિઝનમાં સેશેલ્સને હંમેશાં વિશેષ સ્થાન મળ્યું છે.

રવિવારે રાષ્ટ્રીય સભામાં પોતાના સંબોધનની શરૂઆત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ રાષ્ટ્રીય સભાને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન તરીકે તમારી સમક્ષ ઉભા રહેવું મારા માટે ગૌરવની ક્ષણ છે.” તેમણે ભારતના 1.4 અબજ નાગરિકો તરફથી સેશેલ્સના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને દેશની સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા.

PM મોદીએ યાદ અપાવ્યું કે વર્ષ 2015માં વડા પ્રધાન બન્યા બાદ હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેમની પ્રથમ મુલાકાત સેશેલ્સની હતી. તેમણે કહ્યું કે તે સમયે જ તેમને વિશ્વાસ હતો કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વ્યૂહાત્મક વિઝનમાં સેશેલ્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એક દાયકા બાદ ફરી અહીં આવીને તેમનો આ વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું તેમણે જણાવ્યું.

તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત અને સેશેલ્સની મિત્રતા માત્ર 50 વર્ષ પહેલાં રાજદ્વારી સંબંધોની સ્થાપનાથી શરૂ થઈ નથી. આ સંબંધોનો ઇતિહાસ ઘણો જૂનો છે. ઓગસ્ટ 1770માં સેન્ટ એન આઇલેન્ડ પર પહોંચેલા થેલેમેક જહાજમાં પાંચ ભારતીયો પણ સામેલ હતા. આ પ્રવાસે અનેક ભારતીયો માટે સેશેલ્સ સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમય જતાં આ લોકોની કહાની આધુનિક સેશેલ્સના ઇતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો સરકારોએ નહીં, પરંતુ સામાન્ય લોકોએ, પરિવારો અને અનેક પેઢીઓએ મળીને મજબૂત બનાવ્યા છે.

સંબોધનના અંતમાં PM મોદીએ હિંદ મહાસાગરની ભૂમિકા પર પ્રકાશ પાડતાં કહ્યું કે હિંદ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ પાડતો નથી, પરંતુ બંને દેશોને એકબીજા સાથે જોડે છે. તેમણે ઉમેર્યું કે આ જ કારણ છે કે ભારત અને સેશેલ્સ અજાણ્યા દેશોની જેમ નહીં, પરંતુ વર્ષો જૂના મિત્રોની જેમ એકબીજાને મળે છે.

PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત

Follow Us