અમેરિકામાં વિમાનના એન્જિનમાં લાગી આગ, 179 મુસાફરોએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો

અમેરિકામાં એક વિમાનમાં આગ લાગવાનો અકસ્માત સામે આવ્યો છે. વિમાનના એન્જિનમાં આગ લાગી હતી. જોકે, વિમાન ઉડાન ભરી શક્યું નહીં. રનવે પર જ વિમાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. વિમાનમાં આગ લાગ્યાની જાણ થતા જ મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. લોકો ગભરાઈ ગયા હતા અને ઈમરજન્સી એક્ઝિટથી કેટલાકે કૂદીને જીવ બચાવ્યો. વિમાનમાં સવાર 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

અમેરિકામાં વિમાનના એન્જિનમાં લાગી આગ, 179 મુસાફરોએ બચાવ્યો જીવ, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Jul 27, 2025 | 8:59 AM

અમદાવાદમાં ગત 12 જૂનના રોજ થયેલ એર ઈન્ડિયાના વિમાન દૂર્ઘટના બાદના દિવસોમાં, વિશ્વના અનેક દેશમાં વિમાન અકસ્માતની નાની મોટી દુર્ઘટનાઓ સામે આવી રહી છે. દરમિયાન, અમેરિકામાં પણ એક અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જ્યાં વિમાનના એન્જિનમાં એકાએક આગ લાગી. આ પછી, મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. વિમાનમાં આગની જ્વાળાઓ દેખાતાની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને વિમાનમાં સવાર તમામ 179 લોકોને તાત્કાલિક ઈમરજન્સી એક્ઝિટથી બહાર કાઢવામાં આવ્યા.

શનિવારે અમેરિકન એરલાઇન્સના વિમાનમાં અકસ્માત થયો. વિમાન ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ (DEN) પર રનવે પર હતું. વિમાનના ડાબા મુખ્ય લેન્ડિંગ ગિયરમાં આગ લાગી, ત્યારબાદ ઇમરજન્સી એક્ઝિટ કરવામાં આવી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિમાનની અંદર બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા છે અને ઝડપથી વિમાનમાંથી બહાર નીકળી રહ્યા છે. મુસાફરો ધુમાડા વચ્ચે વિમાનમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

વિમાનના પૈડામાં આગ

મિયામી જતી ફ્લાઇટ AA3023 રનવે પર હતી ત્યારે તેના પૈડામાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું. વિમાનની નીચેથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરો અને ક્રૂ સભ્યોને ઇમરજન્સી સ્લાઇડ્સ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

બધા 173 મુસાફરો સુરક્ષિત

અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને નાની ઇજા થઈ છે. બાકીના બધા 173 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સુરક્ષિત છે. જોકે, વિમાનના પૈડામાં આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હજુ પણ ચાલુ છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ 2:45 વાગ્યે બની હતી, જ્યારે DEN ટીમ અને ડેનવર ફાયર વિભાગને અમેરિકન એરલાઇન્સના વિમાનના પૈડામાંથી આગ લાગી હોવાની માહિતી મળી હતી. આગને કારણે, વિમાનને થોડા સમય માટે એરપોર્ટ પર રોકવું પડ્યું હતું.

અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેકઓફ પહેલાં, વિમાનના લેન્ડિંગ ગિયરના ટાયરમાં ‘સમસ્યા’ હતી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા છે અને અમારી ટીમ દ્વારા નિરીક્ષણ માટે વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો