
પાકિસ્તાનમાં HIV ચેપ ખતરનાક ગતિએ વધી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને UNAIDS ના મતે, પાકિસ્તાન હાલ WHO ના પૂર્વીય ભૂમધ્ય ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતા HIV રોગચાળાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 15 વર્ષમાં નવા HIV કેસોમાં 200% થી વધુ વધારો નોંધાયો છે.
2010માં HIV ના નવા કેસોની સંખ્યા 16,000 હતી, જ્યારે 2024 સુધીમાં તે વધીને 48,000 પહોંચી ગઈ છે. આ ચોંકાવનારી માહિતી WHO અને UNAIDS દ્વારા વિશ્વ AIDS દિવસના અવસર પર આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન જાહેર કરવામાં આવી હતી.
એક સમયે HIV માત્ર ચોક્કસ ઊંચા જોખમ ધરાવતા વ્યક્તિઓ સુધી મર્યાદિત હતો, પરંતુ હવે ચેપ બાળકો, મહિલાઓ અને સામાન્ય દંપતીઓ સુધી ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતો અનુસાર ચેપના વધતા પ્રસાર પાછળ ઘણા મુખ્ય કારણો જવાબદાર છે, જેમ કે ઈન્જેક્શનનો અસુરક્ષિત ઉપયોગ, રક્ત તબદિલીમાં બેદરકારી, હોસ્પિટલો અને ક્લિનિકોમાં ચેપ નિયંત્રણની નબળી વ્યવસ્થા, સગર્ભા સ્ત્રીઓ માટે HIV ટેસ્ટિંગનો અભાવ, અસુરક્ષિત સેક્સ, સમાજમાં શરમભરો અભિગમ અને ભેદભાવ તથા HIV ટેસ્ટિંગ અને સારવારની ઓછી ઉપલબ્ધતા.
કાર્યક્રમ દરમ્યાન WHO, UNAIDS અને પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે HIV સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી અને સમાજની સહભાગિતા જરૂરી હોવાનું સ્પષ્ટ કર્યું. ખાસ કરીને ઈન્જેક્શન પ્રથામાં સુધારા અને રક્ત તબદિલીના સમયે થતી ભૂલોને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
અહેવાલ મુજબ પાકિસ્તાનમાં હાલમાં આશરે 350,000 લોકો HIV સાથે જીવી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમાંના લગભગ 80% દર્દીઓને ખબર નથી કે તેઓ HIV સંક્રમિત છે. સૌથી ચિંતાજનક પરિસ્થિતિ બાળકોમાં વધી રહ્યો ચેપ છે. 0 થી 14 વર્ષની વયના બાળકોમાં નવા કેસ 2010 માં 530 થી વધીને 2023 સુધીમાં અંદાજે 1,800 પર પહોંચ્યા છે.
છેલ્લા દાયકામાં સારવાર ઉપલબ્ધતા વધી છે છતાં દર્દીઓને પહોંચી વળવામાં સિસ્ટમ હજુ પણ નિષ્ફળ થઈ રહી છે. ART (Antiretroviral Therapy) લેતા દર્દીઓની સંખ્યા 2013 માં 6,500 થી વધીને 2024 માં 55,500 થઈ ગઈ છે. HIV સારવાર કેન્દ્રોની સંખ્યા 2010 માં 13 હતી, જ્યારે 2025 સુધીમાં તે વધીને 95 સુધી પહોંચવાની શક્યતા છે.
તે છતાં સારવારનો વાસ્તવિક લાભ ખૂબ ઓછા લોકોને મળી રહ્યો છે. 2024ના આંકડા મુજબ ફક્ત 21% દર્દીઓને ખબર હતી કે તેઓ HIV સંક્રમિત છે અને તેમાંમાંથી ફક્ત 16% દર્દીઓ સારવાર હેઠળ હતા. ચિંતા વધારતી વાત એ છે કે ફક્ત 7% દર્દીઓનો વાયરલ લોડ નિયંત્રિત હતો.
HIV સામેની લડતમાં સૌથી મોટું જોખમ સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને છે. અહેવાલ દર્શાવે છે કે ફક્ત 14% સગર્ભા HIV સંક્રમિત સ્ત્રીઓને એવી દવાઓ મળે છે જે માતાથી બાળકમાં HIV ફેલાવાને અટકાવે છે. 0 થી 14 વર્ષની વયના HIV પોઝિટિવ બાળકોમાં ફક્ત 38% ને યોગ્ય સારવાર મળી રહી છે, જે અત્યંત નબળું પ્રમાણ ગણાય છે.