તાલિબાન (Taliban) હવે પાકિસ્તાન (Pakistan) માટે ગળાનો કાંટો બની રહ્યો છે. તહરીક-એ-તાલિબાન એટલે કે TTP એ પાકિસ્તાન સામે ખુલ્લું યુદ્ધ શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનને અડીને આવેલા તોરખમ બોર્ડર ટર્મિનલ પર પાકિસ્તાની સેના અને TTP વચ્ચે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનના 4 જવાનોના મોત થયા છે. ઘણા પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવવાનો મામલો પણ સામે આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે પાકિસ્તાને તોરખમ બોર્ડરને સીલ કરી દીધી છે.
TTPએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં પાકિસ્તાની સેના સામે મોટા પાયે હુમલો શરૂ કર્યો છે. તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીના એક કમાન્ડરે અફઘાન મીડિયાને જણાવ્યું કે, તેઓએ પાકિસ્તાનના ઘણા ગામો કબજે કર્યા છે. હાલમાં તે નબળા ઈન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને ઈન્ટરનેટ પુનઃસ્થાપિત થતાં જ તે કબજાની તસવીરો શેર કરશે.
ટીટીપીના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ એક નિવેદન જાહેર કરીને સરહદી વિસ્તારમાં રહેતા લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. ખુરાસાનીએ કહ્યું છે કે તેમની લડાઈ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ અને સરકાર સામે છે. તે સામાન્ય લોકોને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
પાકિસ્તાને આ અથડામણમાં 4 જવાનોના મોતની વાત સ્વીકારી છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ જણાવ્યું છે કે, પાકિસ્તાનની ઓસ્તાઈ સુરક્ષા ચેક પોસ્ટ પર TTP દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 PAK સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે TTPએ જંજીરીત ચેક પોસ્ટ પર પણ હુમલો કર્યો હતો અને ત્યાં પણ 2 સૈનિકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો : Pakistan News: કરાચી પોલીસે આચાર્યની કરી ધરપકડ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની કરતો હતો જાતીય સતામણી
આ અથડામણમાં 4 પાકિસ્તાની સૈનિકો પણ ઘાયલ થયા છે, જેઓ ચિત્રાલ સ્કાઉટ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાકિસ્તાનનો દાવો છે કે તેની સેનાએ ગોળીબારમાં TTPના 12 લડવૈયાઓને માર્યા છે. મોટી સંખ્યામાં લડવૈયાઓ પણ ઘાયલ થયા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો