સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Crown Prince Mohammad Bin Salman) ફરી એકવાર પાકિસ્તાનની (Pakistan) યાત્રા સ્થગિત કરી છે. તેના પરથી સમજી શકાય છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલું મહત્વ આપે છે. સાઉદીએ ફરી સ્પષ્ટતા ન કરી કે પ્રવાસ કેમ મોકૂફ રાખવામાં આવી રહ્યો છે? પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર છે કે પ્રિન્સની મુલાકાત સપ્ટેમ્બરની શરૂઆતમાં નક્કી કરવામાં આવી હતી, જે હવે કોઈ કારણ આપ્યા વિના મુલતવી રાખવામાં આવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, પ્રિન્સની મુલાકાત ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે વાતચીત બાદ નવી તારીખ નક્કી કરવામાં આવશે. સાઉદી ક્રાઉન પ્રિન્સની પાકિસ્તાનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર પ્રિન્સના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પ્રિન્સ G-20 સમિટ પહેલા બુધવારે પાકિસ્તાન જવાના હતા. તેમણે આ પહેલા નવેમ્બર 2022 માં તેમની યાત્રા મુલતવી રાખી હતી.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ છેલ્લે 2019માં પાકિસ્તાન ગયા હતા. તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને તેમના માટે રેડ કાર્પેટ બિછાવી હતી. ત્યારે પાકિસ્તાન સંકટના આરે હતું અને પ્રિન્સે તેને 20 અબજ ડોલરની મોટી ગિફ્ટ આપી હતી. તેનાથી દેશને વિદેશી ભંડારને મજબૂત બનાવવામાં ઘણી મદદ મળી હતી. પ્રિન્સની તાજેતરની મુલાકાત પણ તેમના માટે ખૂબ મહત્વની હતી. તેમની મુલાકાતથી પાકિસ્તાનને 10 અબજ ડોલરનું રોકાણ મળવાની આશા હતી.
2019 માં તેમની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન, પ્રિન્સ ગ્વાદરમાં ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ સંકુલ સ્થાપવા માટે સંમત થયા હતા. હાલમાં ગ્વાદર બંદર ચીન દ્વારા રક્ષિત છે. આ સિવાય લિક્વિફાઈડ નેચરલ ગેસ પર ચાલતા પાવર પ્લાન્ટ્સ અને એનર્જી અને માઈનિંગના ચાર અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સરકારને આશા હતી કે પ્રિન્સની મુલાકાત દ્વારા આ મુદ્દાઓ અમલમાં આવશે, પરંતુ છેલ્લી ઘડીએ તેને નિરાશા હાથ લાગી હતી. પાકિસ્તાન સરકારની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે નવી તારીખ જાહેર થાય છે કે નહીં.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન G-20 સમિટ માટે ભારત આવી રહ્યા છે. તેઓ 8-10 સપ્ટેમ્બર દરમિયાન બે દિવસીય કોન્ફરન્સ માટે દિલ્હીમાં રહેશે. સમિટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા તેઓ ભારતીય નેતાઓ સાથે મુલાકાત કરશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો