પાકિસ્તાન (Pakistan) અને ચીને (China) મળીને મ્યાનમાર સાથે છેતરપિંડી કરી છે. મ્યાનમાર હાલમાં ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે તેથી તેને ફાઇટર જેટની જરૂરિયાત છે. મ્યાનમારે ચીન અને પાકિસ્તાન દ્વારા બનાવેલા JF-17 ફાઈટર એરક્રાફ્ટની ખરીદી કરી છે, પરંતુ તે તેના માટે ભંગાર સાબિત થઈ રહ્યું છે. મ્યાનમારના સૈન્ય શાસક મિંગ આંગ હલાઈંગ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર ગુસ્સે થયા છે.
પાકિસ્તાને 2019 અને 2021 વચ્ચે મ્યાનમારને JF-17 ફાઈટર જેટ વેચ્યું હતું, જેને હવે ઉડાન માટે અનફિટ જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધુ ઊંડો બન્યો છે. તાજેતરમાં પાકિસ્તાન પાસેથી મેળવેલા આ ફાઈટર જેટ્સ હવે મ્યાનમાર એરફોર્સ માટે કોઈ કામના નથી અને તેને ગ્રાઉન્ડ કરવું પડ્યું છે. આ પ્લેનમાં ઘણી સમસ્યાઓ સામે આવી છે. 2016માં મ્યાનમારે પાકિસ્તાન અને ચીનના સંયુક્ત ફાઈટર જેટ JF-17 માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JF-17 મળતાની સાથે જ તેમાં સમસ્યાઓ ઉભી થવા લાગી હતી. આ પ્લેનમાં માળખાકીય સમસ્યાઓ પણ આવવા લાગી હતી. આટલું જ નહીં વર્ષ 2022માં જ્યારે આ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન ડિલિવરી કરવામાં આવ્યું ત્યારે તેમાં પણ આવી જ સમસ્યાઓ ઉભી થઈ હતી.
મ્યાનમાર પાસે હાલમાં 11 JF-17 ફાઈટર જેટ છે, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે તેમાંથી એક પણ એરક્રાફ્ટ હાલમાં ઉડાન ભરવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાની એન્જિનિયરોની ગુપ્ત મુલાકાત અને અનેક પ્રયાસો છતાં આ વિમાનોનું સમારકામ થઈ શક્યું નથી. જેના કારણે મ્યાનમારની સૈન્ય સરકાર નારાજ છે. મ્યાનમારે હવે આ સંકટ પર પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. મ્યાનમારે હવે ચીનને આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
તાજેતરમાં, ચીનના રાજદૂત મ્યાનમારના જનરલ મિનને મળ્યા હતા અને તેમને ચીનનો સંદેશ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાન મ્યાનમારને આ ડીલને અકબંધ રાખવા વિનંતી કરી રહ્યું છે અને ફાઇટર જેટનું વધુ એડવાન્સ વર્ઝન આપવાનું વચન આપી રહ્યું છે. પરંતુ મ્યાનમારની સેના હજુ આ માટે તૈયાર નથી. મ્યાનમારના સૈન્ય શાસકો ગુસ્સે છે કે તેઓ ઈચ્છે તો પણ લોકશાહી તરફી બળવાખોરો પર હવાઈ હુમલો કરી શકતા નથી.
આ પણ વાંચો : પૈસા અને પાવર બંનેમાં ભારતનો વાગશે ડંકો, પાકિસ્તાનના 87% વિસ્તાર પર ભારતની છે બાજ નજર
મ્યાનમારમાં બિનઉપયોગી સાબિત થયા બાદ હવે પાકિસ્તાન લેટિન અમેરિકન દેશોને પણ JF-17 વિમાન વેચી શકશે નહીં. આનાથી તેની સમગ્ર યોજનાને મોટો ફટકો પડ્યો છે. મ્યાનમારની સેનાએ હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો પાકિસ્તાન આ વિમાનોનું સમારકામ કરે તો પણ મ્યાનમારની વાયુસેના તેમને ઉડાવી શકશે નહીં.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો