પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચની બહાર વિરોધ પ્રદર્શન કરવા અને શ્રીનગર હાઈવેને બ્લોક કરવાના આરોપમાં ઈમરાન ખાનને સુરક્ષાત્મક જામીન આપવામાં આવ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સમર્થકોની ભારે ભીડની સાથે હાઈકોર્ટ પરિસરમાં ઘુસતા જ ઈમરાન ખાન પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. તેમના સમર્થનમાં જોરદાર નારેબાજી કરવામાં આવી. લાહોર હાઈકોર્ટ પહોંચ્યાના લગભગ 1 કલાક બાદ પણ ઈમરાન ખાનના કાફલાને કોર્ટરૂમ સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઈમરાન ખાનને ઘણી નોટિસ મોકલ્યા બાદ પીટીઆઈ અધ્યક્ષ LHCની સામે બે અલગ અલગ સુનાવણીમાં હાજર થયા. LHCએ સુનાવણીને ફરી એક વાર સાંજે 7.30 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. LHC પરિસરમાં પહોંચ્યા બાદ પૂર્વ વડાપ્રધાન કોર્ટમાં હાજર થઈ શક્યા ન હતા કારણ કે તેમનો કાફલો મોટી સંખ્યામાં પક્ષના સમર્થકોથી ઘેરાયેલો હતો.
આ પણ વાંચો: અમારા ડોગ સ્કવોડના સભ્યોએ ગજબ હિંમત બતાવી, તુર્કીમાં ઓપરેશન દોસ્તમાં સામેલ લોકોને મળ્યા PM Modi
LHCએ પૂર્વ વડાપ્રધાનને સાંજે 5 વાગ્યાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોર્ટની સામે પોતાને હાજર રહેવા માટે થોડીક મિનિટોની પરવાનગી આપી હતી. વકીલોને ચેતવણી આપી હતી કે જો પૂર્વ વડાપ્રધાન આપેલા સમયમાં કોર્ટ રૂમમાં નહીં પહોંચે તો ન્યાયાધીશ જતા રહેશે.
ઈમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચની બહાર વિરોધ પ્રદર્શનથી સંબંધિત એક કેસમાં તેમની જામીન અરજીની સુનાવણી માટે ન્યાયમૂર્તિ તારિક સલીમ શેખ દ્વારા વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. LHCએ ગયા સપ્તાહે ખાનની જામીન અરજીની સુનાવણી દરમિયાન દસ્તાવેજોમાં વિસંગતતાનો ઉલ્લેખ કર્યો હતો, જે સુરક્ષા ચિંતાઓના કારણે કોર્ટમાં હાજર થવા માટે તૈયાર નહતા.
પાકિસ્તાની ન્યૂઝ મીડિયા મુજબ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે 4 સભ્યની ટીમની રચના કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન પર એવો આરોપ હતો કે તેણે અને અન્ય સહયોગીઓએ ફોરેન એક્સચેન્જ એક્ટનું ઉલ્લંઘન કરીને વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું. ઈમરાનની પાર્ટી સામે વિદેશી ફંડિંગનો કેસ 2014નો છે.