પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની સરકાર સત્તા પરથી હટાવવામાં આવી છે અને શાહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન બન્યા છે. દરમિયાન, એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 43% લોકો ઈમરાન ખાનના (Imran Khan) સત્તામાંથી બહાર થવાથી ખુશ નથી, જ્યારે 57% લોકો ખુશ છે કે તેમની સરકાર પડી ગઈ છે. આ સર્વે ગેલપ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. તેમાં 100 થી વધુ જિલ્લાઓમાંથી 1,000 પુરૂષો અને મહિલાઓ સામેલ છે. ખાસ વાત એ છે કે, શનિવારે આયોજિત અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન બાદ તરત જ આ સર્વે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ દર્શાવે છે કે જે લોકો ઈમરાન ખાનના આઉટ થવાથી ખુશ નથી તેઓને લાગે છે કે તે ઈમાનદાર નેતા છે.
આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે નબળા અર્થતંત્રને કારણે મોટાભાગના લોકોએ તેમની વિરુદ્ધ વોટ કર્યા છે. તમને જણાવી દઈએ કે, સત્તાથી બહાર થયા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન હવે જલ્દી ચૂંટણી કરાવવા માંગે છે. તેઓ આજે પેશાવરમાં રેલી પણ કરશે. “અમે તાત્કાલિક ચૂંટણીની માંગ કરી રહ્યા છીએ કારણ કે આગળનો આ એકમાત્ર રસ્તો છે – ન્યાયી અને મુક્ત ચૂંટણીઓ દ્વારા, લોકોને નક્કી કરવા દો કે તેઓ તેમના વડા પ્રધાન તરીકે કોને ઇચ્છે છે,” તેમણે ટ્વિટ કર્યું.
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના આઠ સોશિયલ મીડિયા કાર્યકરોની પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ)એ મંગળવારે પંજાબ પ્રાંતના જુદા જુદા ભાગોમાંથી બાજવા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સોશિયલ મીડિયા પર કથિત રીતે નિશાન બનાવવા બદલ ધરપકડ કરી છે.
ગયા રવિવારે સંયુક્ત વિપક્ષ દ્વારા 8 માર્ચે તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થયા બાદ ઈમરાનને વડાપ્રધાન પદ ગુમાવવું પડ્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પછીના દિવસોમાં, બાજવા વિરુદ્ધ એક અભિયાન ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. FIA અનુસાર, તેને ગુપ્તચર એજન્સીઓ તરફથી બાજવા અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ સોશિયલ મીડિયા અભિયાનમાં સામેલ 50 શકમંદોની યાદી મળી છે અને તેમાંથી આઠ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ટ્વિટર પર જાહેર કરાયેલા હજારો ટ્વિટમાં પાકિસ્તાનના આર્મી ચીફ અને સુપ્રીમ કોર્ટના જજો પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે અમેરિકાના ઈશારે ઈમરાનને વડાપ્રધાન પદેથી હટાવ્યા હતા.
આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા
આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો