Pakistan: વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર, રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે તેના પાંચ વર્ષના બંધારણીય કાર્યકાળના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેને બંધારણની કલમ 58 હેઠળ વિસર્જન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.
આ પણ વાંચો: Pakistan: ઈમરાન ખાન 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકી હોત. આ સાથે તે 11 ઓગસ્ટે સંસદ ભંગ કરવા માંગતી હતી. પરંતુ સરકારનું માનવું છે કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાનની પાર્ટીના પૂર્વ નેતા રાષ્ટ્રપતિ અલ્વી નીચલા ગૃહને વિસર્જન કરવા માટે તરત જ નોટિફિકેશન બહાર પાડવાનો ઈન્કાર કરી શકે છે.
અહેવાલ અનુસાર, પીએમ શહેબાઝ શરીફે બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવા માટે પત્ર મોકલ્યો હતો, જે ઔપચારિક રીતે કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા, પીએમ દ્વારા તેને વિસર્જન કરવાની સલાહ રાષ્ટ્રપતિ અલ્વીને મોકલવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, મોડી રાત્રે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ દેશની નેશનલ એસેમ્બલીના સમય પહેલા વિસર્જનને મંજૂરી આપી દીધી છે. અગાઉ, એક નિવેદનમાં, પાકિસ્તાનના સંસદીય બાબતોના સંઘીય મંત્રી મુર્તઝા જાવેદ અબ્બાસીએ કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારે તેનો પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું કે, “સંસદીય બાબતોના મંત્રાલયે સરકારના વિસર્જનનો સારાંશ વડાપ્રધાનને મોકલી દીધો છે.”
મુર્તઝા જાવેદ અબ્બાસીએ કહ્યું કે પાકિસ્તાનના પીએમને બંધારણની કલમ 224 હેઠળ વચગાળાની સરકાર બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસદીય બાબતોનું મંત્રાલય સમરીની મંજૂરી અને રખેવાળ સરકારની રચના અંગે સૂચના જાહેર કરશે. અહેવાલો અનુસાર, નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી, બંધારણના અનુચ્છેદ 224-A હેઠળ કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂકની પ્રક્રિયા શરૂ થશે.
આઉટગોઇંગ વડાપ્રધાન શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ કેરટેકર વડાપ્રધાનના નામને અંતિમ રૂપ આપવા માટે ચર્ચા કરશે. જો બંને નેતાઓ ત્રણ દિવસમાં નામ પર સહમત નહીં થાય તો આ મામલો વચગાળાના પીએમની નિમણૂક માટે સંસદીય સમિતિ પાસે જશે. દેશના કાયદા અનુસાર, વિદાય લઈ રહેલા પાકિસ્તાની વડાપ્રધાન અને વિપક્ષી નેતા તેમના નામ પ્રતિષ્ઠિત પદ માટે સંસદીય સમિતિને મોકલશે.
સમિતિએ ત્રણ દિવસમાં કેરટેકર પીએમનું નામ ફાઈનલ કરવાનું રહેશે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જો આ પણ નામ પર સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે, તો પાકિસ્તાનનું ચૂંટણી પંચ (ECP) સરકાર અને વિપક્ષ દ્વારા પસંદ કરાયેલા નામોમાંથી બે દિવસમાં વચગાળાના વડા પ્રધાનની પસંદગી કરશે.
અહેવાલો મુજબ, ECP કલમ 224-1 હેઠળ ચૂંટણીની તારીખની જાહેરાત કરશે અને જો બંધારણીય કાર્યકાળ પૂર્ણ થયા પહેલા વિધાનસભા ભંગ કરવામાં આવે છે, તો સામાન્ય ચૂંટણી 90 દિવસની અંદર યોજવી પડશે. ચૂંટણી યોજાયા પછી, મોનિટરિંગ બોડી 14 દિવસની અંદર ચૂંટણીના પરિણામોને સત્તાવાર રીતે સૂચિત કરવા બંધારણ દ્વારા બંધાયેલ છે. જો કે, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ વિલંબિત થવાની સંભાવના છે કારણ કે સામાન્ય હિતોની પરિષદ (CCI) એ વસ્તી ગણતરીના નવા પરિણામોને મંજૂરી આપી દીધી છે, જેના માટે ECPને નવી સીમાંકન દોરવાની જરૂર પડશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો