
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ભારે ગોળીબાર થયો હતો. જોકે જાનહાનિ થયાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ આ ઘટનાએ ગયા બે મહિનાથી ચાલતા નાજુક યુદ્ધવિરામ પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.
ગોળીબાર ક્યાંથી શરૂ થયો તેના પર બંને દેશો એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે. પાકિસ્તાની પોલીસ અધિકારી મોહમ્મદ સાદિકે દાવો કર્યો કે ફાયરિંગ અફઘાનિસ્તાન તરફથી શરૂ થયું હતું, જેના જવાબમાં પાકિસ્તાની સૈનિકોએ કાર્યવાહી કરી. બીજી તરફ, કાબુલમાં તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આપેલ નિવેદનમાં પાકિસ્તાન પર પહેલો હુમલો કરવાનો આરોપ લગાવ્યો અને અફઘાન દળોને પછી જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું.
મીડીયા અહેવાલ મુજબ, અફઘાન બોર્ડર પોલીસના પ્રવક્તા અબ્દુલ્લા ફારૂકીએ પણ દાવો કર્યો કે પાકિસ્તાની દળોએ પહેલો હેન્ડ ગ્રેનેડ ફેંક્યો, જેનાથી અફઘાન સૈનિકોએ ફાયરિંગ કરીને પ્રતિસાદ આપવો પડ્યો. ફારૂકીએ સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન યુદ્ધવિરામનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. બીજી તરફ, પાકિસ્તાને આરોપ લગાવ્યો કે અફઘાન તાલિબાને કોઈ ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો હતો.
ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાન–અફઘાનિસ્તાન સરહદ પર થયેલી ઘાતક અથડામણમાં અનેક સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. કતારની મધ્યસ્થીથી યુદ્ધવિરામ અમલમાં આવ્યો પછી પરિસ્થિતિ થોડો સમય માટે શાંત થઈ હતી, પરંતુ ઇસ્તંબુલમાં થયેલી શાંતિ મંત્રણા કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચતા બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ ફરી વધી રહ્યો છે.
પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન તાલિબાન (TTP) ને જવાબદાર ઠેરવે છે. આ સંગઠન અફઘાન તાલિબાનથી અલગ હોવા છતાં તેમની સાથે જોડાણ ધરાવે છે. પાકિસ્તાનનો આરોપ છે કે 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં TTP લડવૈયાઓએ અફઘાનિસ્તાનમાં આશરો લઈ લીધો છે, જેના કારણે પાકિસ્તાનની સુરક્ષા પડકારો વધી રહ્યા છે. પાકિસ્તાની સૈનિક તંત્ર સતત સતર્કતા રાખી રહ્યું છે અને સરહદ પર વધારાની સુરક્ષા વ્યવસ્થા મૂકાઈ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સરહદ પર તણાવ યથાવત છે. બંને દેશો યુદ્ધવિરામનું પાલન કરવાનો દાવો કરે છે, પરંતુ જમીન પર પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આવતા દિવસોમાં બંને દેશોની સૈન્ય અને રાજનૈતિક નેતાગીરી કઈ દિશામાં પગલું ભરે છે તે નક્કી કરશે કે તણાવ વધુ વધશે કે ચર્ચાના માધ્યમથી ઉકેલ શોધશે.