Operation Ganga: યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને (Indian Civilian) પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવી રહ્યુ છે. યુક્રેનમાં (Ukraine) બગડતી પરિસ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલય (Ministry of external affairs) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય છેલ્લા ઘણા દિવસોથી યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને ઝડપી લેવાના પ્રયાસો કરી રહ્યા છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે 21 ફેબ્રુઆરીથી શરૂ થયેલા વિશેષ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 6,200 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 2,185 વિદ્યાર્થીઓને આજે વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. વધુમાં મંત્રાલયે જણાવ્યુ છે કે આગામી બે દિવસમાં 7,400થી વધુ ભારતીયોને યુક્રેનના પડોશી દેશોમાંથી વિશેષ ફ્લાઈટ દ્વારા વતન લાવવામાં આવશે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય કેરિયર્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો, વિસ્તારા અને ગોફર્સ્ટ શુક્રવારે કુલ 17 ફ્લાઈટ્સ ઓપરેટ કરે તેવી અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે રશિયા દ્વારા સૈન્ય હુમલાને કારણે 24 ફેબ્રુઆરીથી યુક્રેનમાં તેની એરસ્પેસ બંધ થવાને કારણે ભારત તેના નાગરિકોને યુદ્ધગ્રસ્ત દેશના પાડોશી દેશો જેમ કે રોમાનિયા, હંગેરી અને પોલેન્ડથી વિશેષ વિમાનો દ્વારા બહાર કાઢી રહ્યું છે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે નાગરિકોને લાવવા માટે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને આગામી બે દિવસમાં 7,400થી વધુ લોકો વિશેષ ફ્લાઈટ્સ દ્વારા લાવવામાં આવશે. સાથે જ કહેવામાં આવ્યું છે કે શુક્રવારે 3,500 લોકોને અને શનિવારે 3,900થી વધુ લોકોને ભારત પરત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ચાર કેન્દ્રીય મંત્રીઓ- હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહ ભારતીય વિદ્યાર્થીઓને લાવવા યુક્રેનના પાડોશી દેશોમાં પહોંચ્યા છે.
રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કર્યા છે. આ હુમલા બાદ મોદી સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું અભિયાન પણ તેજ કરી દીધું છે. આ દરમિયાન યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે રશિયન સેના ખાર્કિવ શહેરમાં પહોંચી ગઈ છે. આખી દુનિયા રશિયા પર યુદ્ધ ખતમ કરવા માટે સતત દબાણ કરી રહી છે. ઘણા દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયા તેને સ્વીકારવા તૈયાર નથી.
આ પણ વાંચો : Russia-Ukraine War : યુદ્ધમાં રશિયાના મેજર જનરલનું મોત, પુતિનની સેનાને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો