ગણેશ ઉત્સવ (Ganesh utsav) દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગણપતિ (Eco Friendly Ganesh) બનાવવાની શરૂઆત થઈ છે. ત્યારે TV9 ગુજરાતી પણ છેલ્લા ઘણા વર્ષોથી ‘મારા ગણેશ માટીના ગણેશ’, અંતર્ગત એક ખાસ અભિયાન ચલાવી રહ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત TV9 ગુજરાતી દ્વારા માટીના ગણેશ બનાવવામાં અંગે ઘણી જાગૃતિ ફેલાવી ચૂકયું છે. વિવિધ કલાકારો, મંત્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા Tv9ના માધ્યમથી માટીના ગણેશ બનાવીને આ અંગેની લોકજાગૃતિમાં (public awareness) જોડાયા છે. લોકોને આ ઝુંબેશમાં જોડવવા માટે પ્રોત્સાહીત કરે છે. TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલના આ અભિયાનની અસર સાત સમંદર પાર અમેરિકામાં પણ જોવા મળી રહી છે. અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ ભરત પટેલ, રંજુલાબેન પટેલ અને પ્રતિક પટેલ તેમજ કિન્નરી પટેલ છેલ્લા 7 વર્ષોથી પોતાના ઘરે ગણેશ સ્થાપન કરે છે. તેમની ગણેશ મૂર્તિની વિશેષતા એ છે કે તેમની ગણેશ મૂર્તિ માટીની હોય છે. વિદેશમાં પણ તેઓ માટીના ગણેશ બનાવીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવી રહ્યા છે. તેમાં પીઓપી કે પર્યાવરણ હાનિકર્તા વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી.
અમેરિકામાં ઉછરીને મોટા થયેલા કિન્નરી પટેલ અમેરિકામાં રોબિન્સ વિલે ખાતેના પોતાના નિવાસસ્થાને ગણેશ મહોત્સવ દરમિયાન જાતે જ માટીમાંથી વિઘ્નહર્તાની પ્રતિમા બનાવે છે અને તેને ભક્તિભાવ પૂર્વક સુશોભિત કરે છે. 10 દિવસ દરમિયાન આ મૂર્તિનું સ્થાપન કરીને તેને વિવિધ શણગાર તેમજ પ્રસાદ ધરાવવામાં આવે છે. તેમજ પટેલ પરિવારના લોકો તેમજ અમેરિકામાં વસતા મિત્રો અને સ્વજનો ગણેશ ઉત્સવ દરમિયાન દૂંદાળા દેવની હોંશથી પૂજા અર્ચના કરે છે. આ ગણેશ મહોત્સવ દરમિયાન આયોજિત કરવામાં આવતા ધાર્મિક કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતી અને ભારતીય પરિવારો હોંશે-હોંશે ભાગ લે છે. આ ભવ્ય ઉજવણી થકી અમેરિકામાં પણ સનાતન હિંદુ ધર્મની પરંપરાને અને ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવામાં આવી રહી છે.
મૂળ ગુજરાતી પણ જન્મે અને કર્મે અમેરિકન એવા કિન્નરી પટેલે Tv9 ને જણાવ્યું હતું કે ગણેશ આરાધનાનું તેમનુૂં આ સાતમું વર્ષ છે. તેઓ માટીની મૂર્તિને વોટર કલર્સથી અને વિવિધ ફળ, ફુલ સહિતની કુદરતી વસ્તુઓના શણગારથી જ સજાવે છે. દર વર્ષે પારંપરિક રીતે થતા ગણેશ મહોત્સવથી તેઓ ખૂબ આનંદ અને ઉલ્લાસનો અનુભવ કરે છે. તેમના નિવાસસ્થાને ઉજવાતો ગણેશ ઉત્સવમાં મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સૌ કોઈ આનંદ ઉલ્લાસથી ભાગ લે છે. પૂજા અને અર્ચનનો પણ ભક્તિભાવપૂર્વક લાભ લે છે.
પર્યાવરણને હાનિકર્તા વસ્તુથી ગણેશની મૂર્તિ (Ganesh murti) બનાવવા ઉપર પ્રતિબંધ છે, આ સંદર્ભને ધ્યાનમાં લઈને TV9 ગુજરાતી એક ખાસ અભિયાન ચલાવી રહ્યુ છે ‘મારા ગણેશ માટીના ગણેશ’, આ કાર્યક્રમ અંતર્ગત TV9 ગુજરાતી દ્વારા માટીના ગણેશ બનાવવામાં આવે છે. તેની મહેક સાત સમંદર પાર પણ ફેલાઈ છે. અને લોકોને ઈકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવાની વધુને વધુ પ્રેરણા મળી રહી છે.