Cyclone Biparjoy: આજે ચક્રવાત ‘બિપરજોય‘ (Cyclone Biparjoy) ગુજરાતમાં ત્રાટકશે. વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને તે આજે સાંજે 5 વાગ્યે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કરી શકે છે. આ તોફાન સૌપ્રથમ કચ્છના (Kutch) દરિયાકાંઠે ટકરાશે. આ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધીમાં અહીંથી 45 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમયે એશિયામાં એક નહીં પરંતુ અનેક ચક્રવાતનો ખતરો છે.
બિપરજોય વાવાઝોડા સિવાય અન્ય બે ચક્રવાતનો એશિયા પર ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, આ વાવાઝોડાની અસર ગુજરાત કે ભારત પર થશે નહીં. ગુજરાત સહિત દેશમાં આ ચક્રવાતનો કોઈ ખતરો નથી.
પ્રથમ ચક્રવાતનું નામ બિપરજોય રાખવામાં આવ્યું છે. તે 4 જૂને અરબી સમુદ્રમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શરૂ થયું હતું અને હવે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના અનુમાન મુજબ, તે 15 જૂને સાંજે 5.30 વાગ્યે ગુજરાતના કચ્છમાં ત્રાટકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ટકરાશે તે સમયે તેની સ્પીડ 145 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. જો કે, તે પછી તે ધીરે ધીરે નબળી પડી જશે.
આ સાથે જ 4 જૂને દક્ષિણ ચીન સાગરમાં બીજું ચક્રવાત શરૂ થયું હતું અને તેની ઝડપ પણ 30 કિલોમીટર પ્રતિ કલાકની હતી. આ પછી તે આગળ વધતું રહ્યું અને 6 જૂને ચીનના હૈનાન પ્રાંત સાથે ટકરાયું, પરંતુ તેની ગતિ નબળી હતી, જેના કારણે ત્યાં કોઈ મોટું નુકસાન થયું ન હતું. જો કે, હેનાનમાં ભારે પવન સાથે 5 મીમી વરસાદ નોંધાયો હતો, જે હજુ પણ ચાલુ છે. પછી તે 8 જૂને ચીનના અન્ય પ્રાંત નાનિંગ પહોંચ્યું. અહીંથી આ ચક્રવાત પાછું ફર્યું અને 14 જૂને તે તાઈવાન તરફ વળ્યું. આ ચક્રવાતને કારણે હજુ સુધી કોઈ મોટા જાન-માલનું નુકસાન થયું નથી અને તે આવતીકાલે સમાપ્ત થઈ જશે. પરંતુ તેના કારણે તાઈવાનમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
એશિયામાં ત્રીજું ચક્રવાત 5 જૂને ફિલિપાઈન સમુદ્રમાં શરૂ થયું હતું. જો કે તે સમયે તેની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક હતી, પરંતુ જેમ જેમ તે આગળ વધતું ગયું તેમ તેમ તેની ઝડપ 155 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે ટોક્યો, જાપાનમાં ટકરાશે, પરંતુ સદનસીબે ચક્રવાતે તેની દિશા બદલી અને તે ફિલિપાઈન સમુદ્રમાં આગળ વધ્યું છે અને ત્યાં જ સમાપ્ત થશે. આ કારણે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો