ઉત્તર કોરિયાએ (North Korea) ચીનની (China) સરહદ પાસે ગુપ્ત મિસાઈલ બેઝ બનાવ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં આ વાત સામે આવી છે. આ બેઝ વિશે એવું માનવામાં આવે છે કે તાનાશાહ કિમ જોંગ ઉનની સેના અહીં વિનાશક પરમાણુ હથિયારોનો સંગ્રહ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ ગુપ્ત બેઝ લાંબા અંતરની મિસાઇલો રાખવા માટે બનાવવામાં આવ્યું છે, જે અમેરિકા પર હુમલો કરવા સક્ષમ છે. ઉત્તર કોરિયા લાંબા સમયથી લાંબા અંતરના હુમલા માટે સક્ષમ મિસાઈલ બનાવી રહ્યું છે. આ સિક્રેટ બેઝની શોધ એવા સમયે થઈ છે જ્યારે વોશિંગ્ટન થિંક ટેંક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ (CSIS)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેઝનું નામ Hoejung-ni bunker છે.
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે કેવી રીતે તેનું ગુપ્તચર બંકર ચીનથી માત્ર 16 માઇલ દૂર છે. આ શોધે ફરી એક વખત આશંકા વ્યક્ત કરી છે કે ઉત્તર કોરિયા સાથે ચીનના સૈન્ય સંબંધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાની સૌથી શક્તિશાળી મિસાઈલો પણ આ બેઝ પર તૈનાત કરવામાં આવી છે. આ મિસાઈલો પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હોજાંગ-ની મિસાઈલ ઓપરેટિંગ બેઝમાં ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ્સ (ICBMs)થી સજ્જ રેજિમેન્ટના કદના યુનિટની શક્યતા છે એમ અહેવાલમાં જણાવાયું છે. તેમાં ઉમેર્યું હતું કે જો ઓપરેશનલ ICBM હાજર ન હોય, તો એવી શક્યતા પણ છે કે મધ્યવર્તી-રેન્જ બેલિસ્ટિક મિસાઇલો (IRBMs) અહીં તૈનાત કરવામાં આવી હશે.
આ ભયાનક ઘટસ્ફોટ ત્યારે થયો છે જ્યારે કિમ જોંગ ઉને પ્રતિજ્ઞા લીધી છે કે તે મિસાઈલ પરીક્ષણ દ્વારા દુનિયાને હચમચાવી દેશે. તેણે ચેતવણી આપી છે કે તેની પાસે અમેરિકા પર હુમલો કરવા માટે મિસાઈલ પણ છે. હાલમાં જ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘આજની દુનિયામાં જ્યાં ઘણા દેશો અમેરિકાની આધીનતા સાથે સમય બગાડી રહ્યા છે અને તેની વાત પર વિશ્વાસ કરી રહ્યા છે. આ દુનિયામાં માત્ર આપણો જ દેશ છે જે અમેરિકાની મુખ્ય ભૂમિ પર મિસાઈલ છોડીને દુનિયાને હચમચાવી શકે છે.’
તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘દુનિયામાં 200થી વધુ દેશો છે, પરંતુ માત્ર થોડા જ દેશો પાસે હાઇડ્રોજન બોમ્બ, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો અને હાઇપરસોનિક મિસાઇલો છે.’ જાન્યુઆરીમાં ઉત્તર કોરિયાએ સાત મિસાઈલ પરીક્ષણ કર્યા ત્યારે આ ધમકી આપવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –