
હિમાલયની ગોદમાંથી આવનાર આપદાઓએ આખરે કેવી રીતે નેપાળના એક વિસ્તારને તહસનહસ કરીને સ્મશાન જેવો બનાવી દીધો. આપદા પ્રભાવિત આ વિસ્તારોમાં સામૂહિક અંતિમ વિધિ માટે કબરો ખોદવામાં આવી રહી છે. મૃત્યુનો આંકડો એટલો મોટો છે અને મૃતદેહોની ઓળખ પણ ન થઈ શક્તા કબરો ખોદવાની ફરજ પડી રહી છે.
હાલ નેપાળમાં કોઈ નથી જાણતુ કે પૂરમાં તણાયેલા લોકો અને મૃત્યુ પામેલા લોકોનો ચોક્કસ આંકડો ક્યાં જઈને અટકશે. હિમલયમાં ગ્લેશિયર તૂટવાને કારણે જે પ્રલયની સ્થિતિ સર્જાઈ છે તેણે અનેક ગામો,વસાહતો અને શહેરોને નેસ્તનાબૂદ કરીને રાખી દીધા છે. ટનબંધ પહાડોના કાટમાળ અને કાદવની વચ્ચે જો કોઈ જિંદગી જીવિત રહી જાય તો તે ચમત્કાર જ હશે. નેપાળમાં હાલ જિંદગી બચાવવા માટેની જદ્દોજહત ચાલી રહી છે પરંતુ વિનાશ અને તબાહી એટલી મોટી છે કે તેની સામે તમામ માનવીય શક્તિઓ વામણી પુરવાર થઈ રહી છે. નેપાળના ત્રિશુળી બજારમાં રહેલા અનેક લોકો તો એવુ અનુમાન લગાવી રહ્યા છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.
નેપાળમાં આવેલી ત્રાસદીમાં અનેક ભારતીયો પણ લાપતા છે જ્યારે કેટલાકના મોત થયા છે. એક સ્થાનિકના જણાવ્યા અનુસાર ત્રિશુળી બજારમાં અનેક ભારતીયો વ્યવસાયના અર્થે ત્યા વસેલા હતા. જેમા કોઈની કપડાની દુકાન હતી. કોઈ વાસણોના વ્યવસાય સાથે સંકળયેલા હતા તો કોઈની હાર્ડવેરની દુકાન હતી તો કોઈ ફળની દુકાન ચલાવતા હતા. સ્થાનિક જણાવે છેકે 50 થી 70 ભારતીયો ભૂસ્ખલનમાં દબાવાથી મૃત્યુ પામ્યા હોઈ શકે છે. સ્થાનિક તો ત્યા સુધી કહે છે કે એકલા ત્રિશુળી બજારની જ વાત કરીએ તો 2500 થી 3000 લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે અને કરુણતા એ છે કે આ લોકોના મૃતદેહો પણ નથી મળી રહ્યા. 100 માંથી મા્ત્ર 10 થી 15% મૃતદેહો મળી રહ્યા છે. આ માત્ર એક ત્રિશુળી બજારની જ વાત નથી. નેપાળ- તિબેટ બોર્ડર ની પણ એ જ સ્થિતિ છે. આ બોર્ડર વિસ્તારને આપદાનો એપી સેન્ટર માનવામાં આવી રહ્યો છે. અહીં જે લોકો તેમના જીવ બચાવી શક્યા તે તેમણે તેની નજરોની સામે મોતનો ભયાનક મંજર જોયો.
કુદરતે કેટલો મોટો નરસંહાર કર્યો છે તેની વ્યથિત કરી દેનારી તસવીરો નેપાળના ચીત્તવનથી સામે આવી છે. જ્યાં હોસ્પિટલોના મોર્ચરી હોમમાં શબ રાખવા માટેની જગ્યા નથી બચી. લાશોની ઓળખ કરવાનું મુશ્કેલ બની રહ્યુ છે. હવે આ શબોના DNA સેમ્પલ લઈને તેને સામૂહિક રીતે દફનાવવામાં આવી રહ્યા છે. કબરો પર નંબર લખવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં કોઈ એ શબને લેવા માટે તેના પરિજન આવે તો કબરના નંબર પરથી તેને શોધી શકાય. હાલ બોડીઝની DNA સેમ્પલ અને તસવીરો લઈને તેને દફનાવવામાં આવી રહી છે. જો તેના કોઈ પરિજન બોડી લેવા માટે આવશે તો તસવીરને આધારે ઓળખ કરી નંબરને આધારે તેમને બોડી સોંપી શકાય. આ શબોને વિશેષ પ્રકારની બેગમાં પેક કરવામાં આવી રહી છે. આ બેગની અંદર જ શબની ઓળખ કરનારો નંબર રાખવામાં આવી રહ્યો છે. જે જગ્યાએ જેમની બોડી રાખવામાં આવી છે તેની બાજુમાં એક ચબુતરો ચણી તેના પર સાઈનબોર્ડ લગાવવામાં આવી રહ્યો છે. આ સાઈન બોર્ડ પર શબનો નંબર લખાયો છે. જેથી જરૂર પડ્યે માત્ર એ જ શબને કાઢી શકાય.
પરિજનો સાથે DNA સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે અને નેપાળ સરકાર પણ આ પડકારને પહોંચી વળવા માટે સક્ષમ નથી. આથી આવનારા દિવસોમાં સૌથી મોટો પડકાર શબને આઈડેન્ટીફાય કરવાનો અને પરિજનોને સોંપવાનો રહેશે.
26 ઓગસ્ટની ત્રાસદી બાદ કાટમાળની વચ્ચે દરેક પથ્થરની એક કહાની છે અને દરેક નજરમાં એક જ આશા છે કે કદાચ કોઈ જિંદગી બચી ગઈ હોય. હિમાલય ભલે આજે મૌન હોય પરંતુ આ મૌન પાછળ સેંકડો ચીસો, કલ્પાંત, ડુમાઓ અને હજારો સવાલ દબાયેલા છે અને કોઈની પાસે તેનો જવાબ નથી. આ માત્ર નેપાળની જ કુદરતી આપદા નથી. આ એ તાકાતની તસવીર છે જેની સામે માણસે સર્જેલી, નિર્માણ કરેલી દરેકે દરેક વસ્તુ અંતે તો વામણી જ સાબિત થાય છે. આ આપદાની ઘડીમાં એવી પણ તસવીરો સામે આવી જેમણે જિંદગી બચાવવા માટે જીવની બાઝી લગાવી દીધી. તો કોઈએ પોતાની સૂઝબુઝથી હજારો માસૂમ જિંદગીને ડૂબતા પહેલા જ ઉગારી લીધી. નેપાળના પૂરે ત્રિભુવન ત્રિશુળી સ્કૂલનું નામોનિશાન તો મિટાવી દીધુ પરંતુ તેના પ્રિન્સીપાલની સૂઝબુઝને કારણે 1500 બાળકોનો જીવ બચી ગયો. તસવીરો હંમેશા સત્ય બયાં કરે છે પરંતુ કેટલીક તસવીરો એવી હોય છે જે માત્ર સત્ય જ નથી બોલતી પરંતુ આપદા દરમિયાનની આપણી તમામ આધુનિક સભ્યતા, વૈજ્ઞાનિક પ્રગતિ અને આપણી વ્યવસ્થાને પણ પડકાર આપે છે.
સૌથી મોટા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન નેપાળથી એક એવી તસવીર સામે આવી જેમા નેપાળની સેનાના ઝાંબાજ જવાનો એક સાંકડી, અંધારી સુરંગમાં જિંદગી બચાવવા જઈ રહ્યા છે. આ મિશનમાં તેમની પાસે કોંક્રીટ તોડવાના કોઈ હાઈટેક સાધનો નથી. ખાણોમાં ઉતરવામાં વપરાતી હેવી ઈન્ડસ્ટ્રીયલ લાઈટીંગ પણ નથી. તેમની પાસે જીવન શોધવામાં ઉપયોગી થનારા સેન્સર નથી. છે તો માત્ર તેમના સ્માર્ટફોનની અત્યંત ઝાંખો પ્રકાશ ફેંકતી ટોર્ચ લાઈટ અને માથા પર પહેરેલા હેલમેટની લાઈટ છે.
એકતરફ 21મી સદીના એ દાવા જ્યાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ, સેટેલાઈટ ઈમેજરી અને ડિજિટલ ક્રાંતિની વાહવાહી લૂંટતા થાકતા નથી. ત્યારે નેપાળમાં અંધકારથી ભરેલી સુરંગની અંદર માત્ર એક મોબાઈલ લાઈટના સહારે જિંદગી અને મોત વચ્ચેનું અંતર નક્કી કરતો એક લાચાર માણસ દેખાઈ રહ્યો છે. જે સ્માર્ટ ફોનની સ્ક્રિન પર મોટા-મોટા ડિજિટલ ડેશબોર્ડ દેખાય છે. રોજેરોજ મૃતકો અને લાપતા થયેલા લોકોના આંકડા અપડેટ થઈ રહ્યા છે. એ સ્માર્ટ ફોનની ટોર્ચના સહારે જમીન પર મોતના મુખમાં ઉતરેલી સેના જિંદગી શોધી રહી છે.
નેપાળની ભોટી કોશી અને ત્રિશુળી નદીમાં આવેલ પૂર એ કોઈ પ્રથમ આપદા નથી. આ આપદાએ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરનારા લોકોની સલામતી અને એક્ઝિટ રૂટને લઈને પણ ચિંતા વધારી દીધી છે. ગૃહમંત્રાલય અને NDRMM સેતુ રેપિડ લાઈવ મેપિંગ પોર્ટલ શરૂ કર્યુ. PMO ઓફિસ દ્વારા ઈન્ટીગ્રેટેડ ઈમરજન્સી પોર્ટલ અને QR કોડ દ્વારા રાહત ફંડ એકત્ર કરવાની વ્યવસ્થા બનાવી. ડ્રોનથી મેપિંગ થઈ રહી છે. AI થી મિસિંગ લિસ્ટ મેચ કરાઈ રહી છે અને સોશિયલ મીડિયા પર પળેપળની જાણકારી શેર કરાઈ રહી છે.
નેપાળમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જાઓ છો તો સત્ય એ જોઈ શકશો કે એક-એક જિંદગી બચાવવા માટેની જદ્દોજેહત એ ટેકનિક થી વધુ માણસની મહેનત અને જુસ્સા પર નિર્ભર છે. નેપાળમાં આપદાઓ એ કોઈ નવી વાત નથી, હિમાલયની ગોદમાં આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર આ દેશની નિયતિમાં ભૂગોળે જ પડકારો લખ્યા છે. ચાહે 2015નો એ વિનાશકારી ભૂકંપ હોય જેણે કાઠમંડુથી લઈને અંતરિયાળ ગામોની ધરા પણ ધ્રુજાવી દીધી હતી, ત્યારબાદ દર વર્ષે આવનારુ ભયાનક ભૂસ્ખલન અને ભયજનક લેવલે વહેતી નદીઓથી અહીંના લોકો અવગત છે.
રિપોર્ટ્સ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય દાન દેનારાઓ અને વૈશ્વિક એજન્સીથી અર્લી વોર્નિંગ સિસ્ટમના નામ પર કરોડો રૂપિયાનું ફંડ આવે છે. પરંતુ જ્યારે આજે નેપાળની નદીઓ વિનાશ વેરી રહી છે તો ઓટોમેટેડ રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમના નામે શું દેખાય છે?
શા માટે નદીકિનારે બેફામ નિર્માણ થવા દેવાય છે?
શા માટે પારંપારિક રીતે પહાડોની ઉંચાઈ પર રહેતા સમાજને કોઈ આગોતરા આયોજન વિના નદી કિનારે વસવા દેવાય છે?
જ્યારે આપદા આટલી વિકરાળ હતી કે 900 થી વધુ હાઈડ્રો પ્રોજેક્ટ કર્મચારી સુરંગમાં દબાઈ ગયા. જ્યારે મોતનો આંકડો દરેક મિનિટે વધી રહ્યો હોય, 5000 થી વધુ લોકો ગાયબ હોય એવામાં નેપાળની સરકારે વિદેશી રેસ્ક્યુ ટીમની મદદનો ઈનકાર કરીને ફસાયેલા લોકોને મરવાના વાંકે છોડી દીધા. જો કે હવે જીવ બચાવવાના આ મિશનમાં દરેક ટીમો સાથે મળીને કામ કરી રહી છે.
2015ના ભૂકંપના સમયે વિદેશી ટીમોના સમન્વય માં જે અવ્યવસ્થા થઈ હતી તેની કડવી યાદો સરકારના મનમાં કદાચ રહી હોય. પરંતુ માણસોની જીવના ભોગે અતિતના કડવા અનુભવોનો હિસાબ ચુકતે ન કરી શકાય. જો કે એ પણ સત્ય છે કે પ્રયાસ તો બધા કરી રહ્યા છે પરંતુ અનેક આંખોમાં એક જ સવાલ છે કે શું મારા દીકરા-દીકરી કે મારા માતાપિતાને બચાવવા યોગ્ય સમયે મશીનો મોકલી શકાઈ હોત?
ભારત, ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશો પાસે ટનલ રેસક્યુ, કોલ માઈન રેસક્યુ અને ઉંડા કાટમાળની નીચેથી માનવીય જિંદગીઓ બચાવવા માટેની વિશેષજ્ઞતા છે. હવે રાહતની વાત એ છે કે મોડે મોડે પણ નેપાળ સરકારે વિદેશ મંત્રાલયના દ્વારા વિશેષ ફોરેન્સિક આસિસ્ટેન્સ, ડીએનએ એનાલિસિસ અને સબટેરેનિયલ રેસ્ક્યુ ટીમ ની આંતરરાષ્ટ્રીય મદદ સ્વીકારી છે. ભારતીય અને ચાઈનિઝ એક્સપર્ટ મોરચા પર છે. નેપાળની સેના, નેપાળ પોલીસ અને ત્યાંના સ્થાનિક યુવાનોના જુસ્સાને સમગ્ર વિશ્વ સેલ્યુટ કરી રહ્યુ છે. તેઓ જીવની પરવા કર્યા વિના કોઈ જ ઓજારો વિના હાથોથી કાટમાળ હટાવી રહ્યા છે. રોઈટર્સની તાજેતરની રિપોર્ટ જણાવે છે કે વિનાશકારી પૂરના ઝટકા બાદ નેપાળ સરકાર ચીન પાસેથી નદીઓનો રિયલ ટાઈમ ડેટા અને અર્લી વોર્નિંગ સિસ્ટમ શેર કરવાની અપીલ કરી રહી છે. સત્ય એ પણ છે કે નેપાળને આજે સહાનુભૂતિની સાથેસાથે પોતાની સિસ્ટમને પણ અપડેટ કરવાની જરૂર છે.
Published On - 9:14 pm, Tue, 1 September 26