નેપાળમાં શી જિનપિંગના પુસ્તકોને કચરાની જેમ સળગાવવાની ઘટનાએ નેપાળ-ચીન સંબંધોમાં નવો વિવાદ ઊભો કર્યો છે. આ ઘટના નેપાળના મોરંગ જિલ્લાના બુઢીગંગા સ્થિત મનમોહન ટેકનિકલ કોલેજમાં શનિવાર રાત્રે બની હતી, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના જૂના પુસ્તકો અને દસ્તાવેજોને આગ ચાંપવામાં આવી હતી. આમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું પ્રસિદ્ધ પુસ્તક “The Governance of China” ની સેંકડો નકલો પણ હતી. આ બાબતે ચીને સખત વાંધો વ્યક્ત કર્યો છે.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પુસ્તકોને અગ્નિને હવાલે કરતા બતાવવામાં આવ્યા છે. વીડિયો ફેલાતાની સાથે જ કાઠમંડુ સ્થિત ચીની દૂતાવાસે તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી. ચીની દૂતાવાસે નેપાળના વિદેશ મંત્રાલયને ‘નોટ વર્બલ’ (રાજદ્વારી પત્ર) મોકલીને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ચીને આ ઘટનાને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને અસર કરનારી સંવેદનશીલ ઘટના ગણાવી છે.
Copies of Xi Jinping’s book were burned as waste at a Nepali university. After the video spread, the Chinese embassy demanded action—prompting Nepal to launch a police probe and pressure media to remove the footage.pic.twitter.com/rpbpLCblEC
— Spotlight on China (@spotlightoncn) March 18, 2026
ચીની દૂતાવાસની માંગ પર નેપાળ સરકારે તાત્કાલિક સક્રિયતા દાખવી છે. વિદેશ મંત્રાલયે ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો, ત્યારબાદ ગૃહ મંત્રાલયે નેપાળ પોલીસ અને મોરંગ જિલ્લાના સ્થાનિક વહીવટીતંત્રને ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. પોલીસે કોલેજ પ્રશાસન પાસે લેખિત સ્પષ્ટતા માંગી છે અને કેમ્પસમાં સુરક્ષા વધારી દીધી છે.
કોલેજ પ્રશાસન અને સ્થાનિક નેતાઓનું કહેવું છે કે, આ કૃત્ય જાણી જોઈને કરવામાં આવ્યું નથી. તેઓ દાવો કરે છે કે, લાઇબ્રેરીમાં જગ્યા બનાવવા માટે જૂના, ક્ષતિગ્રસ્ત પુસ્તકો, કાગળો અને કચરો સાફ કરવામાં આવી રહ્યો હતો, જેમાં અજાણતામાં કેટલાક પુસ્તકો આગમાં બળી ગયા હતા. તેમણે આને “રૂટિન ક્લિનિંગ” ગણાવ્યું છે અને જાણી જોઈને સળગાવવાનો ઇનકાર કર્યો છે.
વીડિયો વાયરલ થયા બાદ નેપાળ સરકાર પર દબાણ વધી ગયું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળ પ્રશાસને મીડિયાને વીડિયો હટાવવા માટે પણ કહ્યું છે. આ ઘટના નેપાળ-ચીન સંબંધોની નાજુકતાને ઉજાગર કરે છે. નેપાળ ચીનનો મહત્વનો પાડોશી દેશ છે અને બંને દેશો ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ (BRI) સહિત અનેક પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યા છે. આ ઘટના નેપાળમાં વધતી ચીન-વિરોધી ભાવનાઓ અથવા લાઇબ્રેરી મેનેજમેન્ટની બેદરકારીનો સંકેત માનવામાં આવી રહી છે. ચીને આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે.