Breaking News: 8 મહિના સુધી સ્પેસ સ્ટેશન બનશે ‘નવું ઘર’! ભારતીય મૂળના અનિલ મેનને કઝાકિસ્તાનથી ભરી ‘ઉડાન’, જાણો નાસાના આ ખાસ મિશન વિશે

નાસા (NASA) ના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન અને બે રશિયન સાથીદારો આઠ મહિનાના મિશન માટે સોયુઝ એમએસ-29 અંતરિક્ષ યાન દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) જવા રવાના થયા છે.

Breaking News: 8 મહિના સુધી સ્પેસ સ્ટેશન બનશે નવું ઘર! ભારતીય મૂળના અનિલ મેનને કઝાકિસ્તાનથી ભરી ઉડાન, જાણો નાસાના આ ખાસ મિશન વિશે
| Updated on: Jul 15, 2026 | 1:43 PM

નાસાના અંતરિક્ષ યાત્રી અનિલ મેનન અને 2 રશિયન અંતરિક્ષ યાત્રી મંગળવારે (14 જુલાઈ) કઝાકિસ્તાનથી સોયુઝ એમએસ-29 (Soyuz MS-29) અંતરિક્ષ યાન દ્વારા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) ના 8 મહિનાના મિશન માટે રવાના થયા છે. અનિલ મેનન અને રશિયન અંતરિક્ષ યાત્રીઓ પ્યોત્ર ડુબ્રોવ, અન્ના કિકિનાને લઈને આ ‘અંતરિક્ષ યાન’ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાને 17 મિનિટે બૈકોનુર કોસ્મોડ્રોમથી રવાના થયું હતું.

અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચવામાં આ યાનને આશરે ત્રણ કલાક લાગશે અને તે પૃથ્વીના બે ચક્કર લગાવશે. ત્યારબાદ તે રાત્રે 11 વાગ્યાને 56 મિનિટે પોતે જ સ્ટેશનના ‘પ્રિચાલ મોડ્યુલ’ સાથે જોડાઈ જશે. નાસાના જણાવ્યા અનુસાર, અનિલ મેનનની આ પ્રથમ અંતરિક્ષ યાત્રા છે, જ્યારે બંને રશિયન અંતરિક્ષ યાત્રીઓ બીજી વખત અંતરિક્ષ મિશન પર ગયા છે.

અનિલ મેનનના અંતરિક્ષ યાત્રી પત્ની અન્ના વિલ્હેમ સહિત તેમના પરિવારના સભ્યો અને નાસાના પ્રશાસક જેરેડ આઇઝેકમેન અંતરિક્ષ મિશનના પ્રક્ષેપણ (લોન્ચિંગ) દરમિયાન બૈકોનુર કોસ્મોડ્રોમમાં હાજર હતા.

અંતરિક્ષ સ્ટેશન પહોંચ્યા પછી આ ત્રણેય અંતરિક્ષ યાત્રી નાસાના અંતરિક્ષ યાત્રીઓ જેસિકા મીર, જેક હેથવે અને ક્રિસ વિલિયમ્સ, યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષ યાત્રી સોફી એડેનોટ તેમજ રોસકોસ્મોસના અંતરિક્ષ યાત્રી સેર્ગેઈ કુદ-સ્વેરચકોવ, સેર્ગેઈ મિકાએવ અને આંદ્રેઈ ફેદ્યાયેવ સાથે મિશનમાં જોડાઈ જશે.

એપ્રિલ 2027માં ધરતી પર વાપસી થશે

અનિલ મેનન, પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિનાનું આ મિશન અંદાજે આઠ મહિનાનું રહેશે. ત્રણેયની એપ્રિલ 2027 માં પૃથ્વી પર વાપસી નિર્ધારિત છે. નાસાના જણાવ્યા મુજબ, અનિલ મેનન અંતરિક્ષમાં વૈજ્ઞાનિક સંશોધન અને નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરશે. તેમનો ઉદ્દેશ્ય માનવ અંતરિક્ષ સંશોધનને આગળ વધારવાનો અને પૃથ્વી પરના જીવનને ફાયદો પહોંચાડતી તકનીકોનો વિકાસ કરવાનો છે.

રશિયાની આંતરરાષ્ટ્રીય માનવીય સહયોગ એજન્સી ‘રોસસોત્રુદનિચેસ્તવો’ ના વડા યેલેના રેમિઝોવાએ આ પહેલા સરકારી સમાચાર એજન્સી ‘તાસ’ ને જણાવ્યું હતું કે, આ રોકેટની સાથે ભારતીય શાળાના બાળકો દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો પણ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે.

US એરફોર્સમાં કામ કરી ચૂક્યા છે ‘અનિલ મેનન’

અનિલ મેનનનો જન્મ અમેરિકાના મિનિયાપોલિસમાં યુક્રેનિયન અને ભારતીય મૂળના પ્રવાસી માતા-પિતાના ઘરે થયો હતો. તેઓ વ્યવસાયે ઈમરજન્સી મેડિસિન ફિઝિશિયન (કટોકટીની તબીબી સેવાના નિષ્ણાત) છે અને અમેરિકન ‘સ્પેસ ફોર્સ’ માં કર્નલ છે. અમેરિકન વાયુસેનામાં પોતાની સેવા દરમિયાન, તેમણે ‘ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ’ અંતર્ગત અફઘાનિસ્તાનમાં અગ્રીમ મોરચે કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન સાથે પણ કામ કર્યું, જ્યાં માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોને તબીબી સહાય પૂરી પાડી હતી.

અનિલ મેનને કરિયરની શરૂઆત ક્યાંથી કરી?

અનિલ મેનન (49) એ પોલિયો રસીકરણ અભિયાનનો અભ્યાસ કરવા અને તેમાં સહયોગ આપવા માટે ‘રોટરી એમ્બેસેડોરિયલ સ્કોલર’ તરીકે ભારતમાં એક વર્ષ વિતાવ્યું હતું. તેમણે 2014માં નાસામાં ‘ફ્લાઇટ સર્જન’ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર રહેતા અને કામ કરતા અંતરિક્ષ યાત્રીઓ સાથે કામ કર્યું હતું.

અનિલ મેનનની પસંદગી ડિસેમ્બર 2021માં નાસાના અંતરિક્ષ યાત્રી તરીકે થઈ હતી. ત્યારબાદ તેમણે આગામી મહિનાથી બે વર્ષના તાલીમ કાર્યક્રમમાં જોડાઈને તૈયારી શરૂ કરી દીધી હતી. તેમના પત્ની અન્ના સપ્ટેમ્બર 2024માં સ્પેસએક્સ દ્વારા સંચાલિત ખાનગી માનવ અંતરિક્ષ મિશન ‘પોલારિસ ડૉન’ હેઠળ અંતરિક્ષની યાત્રા કરી ચૂક્યા છે. આ મિશન અંદાજે પાંચ દિવસ સુધી ચાલ્યું હતું.

Breaking News : પત્નીએ પતિને દૂધમાં ઊંઘની 10 ગોળીઓ પીવડાવી, પ્રેમી સાથે મળી હત્યા કરી

Follow Us