પૂર્વી યુક્રેનમાં (Ukraine) સંઘર્ષવાળા વિસ્ચારના પ્રવાસ દરમિયાન, ટોચના યુક્રેનિયન સૈન્ય અધિકારીઓને નિશાન બનાવીને તોપમારો થયો હતો. એક ડઝન જેટલા મોર્ટાર શેલ યુક્રેનના ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીથી (Denys Monastyrskiy) થોડાક અંતરે દૂર પડ્યા હતા. આ દરમિયાન મંત્રી ફ્રન્ટલાઈન પર પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. મોર્ટારના હુમલાથી બચવા મંત્રીને આશ્રય લેવાની ફરજ પડી હતી.
આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થવાના સમાચાર નથી. હકીકતમાં, જ્યારે હુમલો થયો ત્યારે મિનિસ્ટર મોનાસ્ટીરસ્કી રશિયન વિદ્રોહીઓ અને યુક્રેનિયન સેનાને અલગ કરતી લાઇનની નજીક ઉભા રહીને આંતરરાષ્ટ્રીય મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા.
મોર્ટાર હુમલા બાદ પત્રકારો અને અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળને ખાલી કર્યુ હતું અને સલામત સ્થળે ખસી ગયા હતા. તાજેતરના દિવસોમાં સરકાર અને અલગતાવાદી દળોએ એકબીજા પર સંઘર્ષ વધારવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેને શુક્રવારે વધુ એક સૈનિકના મોતની જાણ કરી હતી. આ દરમિયાન છેલ્લા બે મહિનામાં આ ચોથા સૈનિકનું મોત છે. રશિયન સરહદ પરના લુગાન્સ્ક અને ડોનેત્સ્ક જિલ્લાઓના ભાગો પર કબજો કરી રહેલા રશિયન સમર્થિત બળવાખોરોએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને ભગાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.
જોકે, યુક્રેનનું કહેવું છે કે તેનો આમ કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પર આરોપ લગાવ્યો છે કે તેમના કારણે જ આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. યુક્રેને કહ્યું કે પુતિન જાણી જોઈને ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે, જેથી તેમના દ્વારા યુક્રેન પર હુમલો કરવાનું બહાનું મળે. અમેરિકા પહેલા જ કહી ચૂક્યું છે કે રશિયા, યુક્રેન પર હુમલો કરવા માટે આવું કરી શકે છે. આવી સ્થિતિમાં યુક્રેનને સાવધાન રહેવું પડશે. જો કે, રશિયાએ યુક્રેન પર હુમલો કરવાનો સતત ઇનકાર કર્યો છે. પરંતુ સરહદ પર તૈનાત સૈનિકોની સંખ્યાને કારણે કોઈને રશિયાની વાત પર વિશ્વાસ નથી થઈ રહ્યો.
આ પણ વાંચોઃ