
માલદીવ સરકારે ભારતને ત્રીજી વખત $400 મિલિયન કરન્સી સ્વેપ કરારને લંબાવવા વિનંતી કરી છે. ભારતે હજુ સુધી માલદીવની આ વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી. જો કે, એવું માનવામાં આવે છે કે કરારની સખ્ત પ્રકૃતિને જોતા ભારત માટે ત્રીજી વખત લોનની મુદત લંબાવવી મુશ્કેલ બની શકે છે. આ વર્ષે માલદીવનું ભારત પર આ સૌથી મોટુ દેવુ છે. મોહમ્મદ મુઈજ્જુના નેતૃત્વવાળી માલદિવ સરકારે સપ્ટેમ્બર 2026 થી અગાઉના પણ ભારતને 50 મિલિયન ડૉલરના વધુ બે ટ્રેઝરી બિલ ચુકવવાના બાકી છે. જો કે માલદિવની આર્થિક સ્થિતિને જોતા તે આ દેવુ ચુકવી શકે તેવી શક્યતાઓ નહિવત છે.
માલદીવમાં હાલ મોહમ્મદ મુઇઝુના નેતૃત્વ હેઠળ પીએમસીની સરકાર છે. મુઇઝુએ સપ્ટેમ્બર 2023 માં યોજાયેલી ચૂંટણીમાં ‘ઇન્ડિયા આઉટ’ નો નારો આપ્યો હતો. તેમણે સરકાર બનતાની સાથે જ માલદિવમાં રહેલી ભારતીય સૈન્ય ટૂકડીને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. એટલુ જ નહીં તેમણે ભારતથી ભેટમાં મળેલા હેલિકોપ્ટર, વિમાન અને નેવી શિપને પણ પરત કરવાની ઓફર કરી હતી. ભારતીય સૈનિકો માલદિવમાં અસૈન્ય મિશન પર હતા. તેમ છતા મોઈઝુએ ભારત વિરોધી વલણ જાળવી રાખ્યુ હતુ. મોઈઝુએ તેના પહેલા વિદેશ પ્રવસ માટે ભારતના બદલે ચીનને પ્રાથમિક્તા આપી હતી.
વર્તમાનમાં માલદિવ મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. જેના કારણે તેનુ અર્થતંત્ર ડામાડોળ થઈ ગયુ છે. વિદેશી મુદ્રા ભંડાર ઘટતા ચુકવણી અસંતુલનનું જોખમ પણ યથાવત છે. છેલ્લા કેટલાય દશકાઓમાં આ દેશે તેને ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભારત પાસેથી મોટી માત્રામાં કર્ઝ લીધુ છે. જો કે તેમાના મોટાભાગની દેવાની રકમની હપ્તાવાર પણ ચુકવણી કરવામાં આવી નથી અને ચુકવણીની મર્યાદા વારંવાર લંબાવવામાં આવી છે. વર્ષ 2024માં જ્યારે માલદિવ ગંભીર આર્થિક સંકટ નો સામનો કરી રહ્યો હતો, ત્યારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુ એ ભારતથી 100 મિલિયન ડૉલરના ટ્રેજરી બિલોની અવધિ વધારવાની વિનંતિ કરી હતી. એ સમયે ભારતે માલદિવની વિનંતિ ગ્રાહ્ય રાખી હતી.
ધ પ્રિન્ટ ના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2024 માં ભારતની મુલાકાત દરમિયાન, મોહમ્મદ મુઇઝુએ ભારત સાથે બે નાણાકીય કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આમાંથી પહેલો કરાર $400 મિલિયનની કરન્સી સ્વેપ સુવિધાનો હતો, અને બીજો, ભારતીય રૂપિયામાં ₹3,000 કરોડની બીજી સ્વેપ લાઇનનો. આ બે કરારો દ્વારા, માલદીવને કુલ $700 મિલિયનની નાણાકીય સહાય મળી. ત્યારથી, ભારતે $400 મિલિયન ડોલર-ડિનોમિનેટેડ સ્વેપ સુવિધા માટે ચુકવણીનો સમયગાળો બે વાર લંબાવ્યો છે. જો કે, માલદીવે હવે આ સમયગાળાના ત્રીજા વિસ્તરણની વિનંતી કરી છે જે ભારત માટે હવે સ્વીકારવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.