
લંડનમાં પોલીસે કહ્યું છે કે, ક્રોયડનની આસપાસના બે પબમાં લાગેલી આગને (Fire) શંકાસ્પદ ગણવામાં આવી રહી છે. ફાયર ફાઈટરને (Fire Fighter) ગુરુવારે સવારે વિંડ મીલ અને ડ્રમ એન્ડ મંકી પબ ખાતે અલગ અલગ આગની ઘટના માટે બોલાવવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, વિંડ મીલ 2021માં £1.5 મિલિયનમાં વેચાણ માટે હતો, જ્યારે ડ્રમ એન્ડ મંકી £650,000માં ઓફર હેઠળ હતો.
એક નિવેદનમાં Met પોલીસે કહ્યું કે, આગને શંકાસ્પદ માનવામાં આવે છે. સાથે જ Met અને લંડન ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ અંગે પ્રાથમિક તબક્કે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. લંડન ફાયર બ્રિગેડ (LFB) એ જણાવ્યું હતું કે, સેન્ટ જેમ્સ રોડ પરના વિંડ મીલમાં સવારે લગભગ 5.44 કલાકે આગ લાગી હોવાની જાણ કરવામાં આવી હતી.
Two fires broke out this morning in Croydon @CroydonGuardian @mysouthldn pic.twitter.com/XIcHju4blU
— Kris Rybak (@RybakKris) August 31, 2023
ઘટના સ્થળ પર લગભગ 60 ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં મિલકતની છત આંશિક રીતે બળી ગઈ હતી. આગનો સામનો કરવા માટે બ્રિગેડની 32-મીટર ટર્નટેબલ સીડીમાંથી એકનો ઉપયોગ પાણીના ટાવર તરીકે કરવામાં આવ્યો હતો. બીજી આગ માત્ર 200 યાર્ડ દૂર ગ્લુસેસ્ટર રોડ પર ડ્રમ એન્ડ મંકી ખાતે સવારે 6.24 વાગ્યે નોંધાઈ હતી.
આ પણ વાંચો : London News: બાળકો પર છત તૂટી પડવાથી દક્ષિણ લંડનની એક ખાનગી શાળાને £80,000 નો દંડ ફટકારવામાં આવ્યો
આ આગમાં પણ કોઈ ઈજાના અહેવાલ નથી, આગ લાગવાથી પ્રથમ અને બીજા માળ બળીને ખાક થયો હતો. આ ઘટનામાં 6 ફાયર બ્રિગેડ અને 40 ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાજર હતા. LFBએ જણાવ્યું હતું કે, આગને કાબૂમાં લેવામાં આવી અને હવે તેનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો