Breaking News : યુદ્ધના ભણકારા ! જગત જમાદાર ટ્રમ્પથી ડરીને અંડરગ્રાઉન્ડ થયા મુસ્લિમ દેશના સુપ્રીમ લીડર

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના માહોલમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની ફરી એકવાર ભૂગર્ભ બંકરમાં ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. છેલ્લા 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ખામેનીએ સુરક્ષાના કારણોસર જાહેરમાં દેખાયા નથી.  

Breaking News : યુદ્ધના ભણકારા ! જગત જમાદાર ટ્રમ્પથી ડરીને અંડરગ્રાઉન્ડ થયા મુસ્લિમ દેશના સુપ્રીમ લીડર
| Updated on: Jan 20, 2026 | 5:07 PM

અમેરિકા તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ બાદ ઈરાને આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, યુએસ તરફથી ખામેનીને નિશાન બનાવવાની સંભાવનાને ગંભીરતાથી લેવામાં આવી છે, જેના કારણે તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે.

યુદ્ધની ચેતવણી !

મીડિયાઅહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિએ ખામેનીને કાસેમ સુલેમાની અથવા અબુ બકર અલ-બગદાદી જેવું ભાગ્ય ભોગવવાની ધમકી આપી હતી. આ નિવેદન બાદ તેહરાને પરિસ્થિતિને ગંભીર માનીને સર્વોચ્ચ નેતાને બંકરમાં મોકલવાનો નિર્ણય લીધો.

આ મુદ્દે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન એ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ખામેની પર કોઈપણ પ્રકારનો હુમલો થશે, તો ઈરાન તેને સીધું યુદ્ધ માનીને જવાબ આપશે.

અમેરિકા દ્વારા નેતાઓને નિશાન બનાવવાના ઉદાહરણો

ઈરાન અમેરિકાથી ડરે છે તેનું એક મોટું કારણ અમેરિકાની ભૂતકાળની કાર્યવાહી છે. તાજેતરમાં જ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું કરાકાસમાંથી અપહરણ કર્યાનો દાવો થયો હતો. અમેરિકાનો આરોપ છે કે માદુરો ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલા હતા, જેના આધારે તેમને ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ અમેરિકન જેલમાં હોવાનું જણાવાય છે. આ પ્રકારની કાર્યવાહીથી ઈરાનને પણ આશંકા છે કે અમેરિકાએ ખામેનીને નિશાન બનાવી શકે છે.

તેહરાન નજીક બંકરમાં પરિવાર સાથે આશરો

જૂન 2025માં જ્યારે ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારે ખામેની તેહરાન નજીક આવેલા એક ગુપ્ત બંકરમાં છુપાઈ ગયા હતા. તેમના પરિવારજનો પણ તેમની સાથે હતા. જોકે, ઈરાની સરકારે આ બંકર અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

ઈરાની રાજ્ય મીડિયા મુજબ, ખામેની છેલ્લે 17 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા. તે દિવસે તેમણે અમેરિકા અને ઇઝરાયલની સરકારોને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી અને વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત પણ કરી હતી.

ખામેની અમેરિકા માટે ટાર્ગેટ કેમ?

ખામેની અમેરિકા માટે લક્ષ્ય બનવાના બે મુખ્ય કારણો છે. પ્રથમ, તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા છે અને દેશના તમામ મહત્વપૂર્ણ નિર્ણયોમાં અંતિમ સત્તા તેમની પાસે છે. એટલે કે, ઈરાની સત્તાવ્યવસ્થામાં ફેરફાર કરવા માટે ખામેનીને હટાવવું જરૂરી માનવામાં આવે છે.

બીજું, ખામેનીને અમેરિકાના સૌથી કટ્ટર વિરોધી નેતાઓમાં ગણવામાં આવે છે. 2016માં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા પરમાણુ કરારનો પણ તેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો અને અમેરિકા માટે “શેતાન” શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ઈરાનને ઘેરવાની અમેરિકી રણનીતિ

ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલા ઈરાનના આંતરિક વિરોધ પ્રદર્શનો ભલે હવે શાંત થયા હોય, પરંતુ અમેરિકી હુમલાનો ભય હજી પણ યથાવત છે. અહેવાલો મુજબ, અમેરિકા ઈરાનને સૈન્ય રીતે ઘેરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે.

આ અંતર્ગત, અમેરિકી નૌકાદળનું યુદ્ધજહાજ USS Abraham Lincoln મલાક્કા સ્ટ્રેટમાં તૈનાત કરવામાં આવ્યું છે. ઉપરાંત, ફ્લાઇટ રડારના ડેટા અનુસાર ઈરાને જોર્ડનમાં 12 F-15 ફાઇટર જેટ્સ તૈનાત કર્યા છે. જૂન 2025માં, ઇઝરાયલે જોર્ડનની મદદથી ઈરાન પર પહેલો હુમલો કર્યો હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું હતું.

ટ્રમ્પ સાથે તણાવ વચ્ચે રશિયાએ ભારતને આપી મોટી ભેટ, જાણવા માટે અહીં ક્લિક કરો..

Published On - 5:05 pm, Tue, 20 January 26