Breaking News : હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો નવો પ્રસ્તાવ, વૈશ્વિક વેપાર પર પડી શકે છે મોટી અસર

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 5-7% ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય વૈશ્વિક વેપાર, તેલના ભાવ અને ઊર્જા બજારોને સીધી અસર કરી શકે છે.

Breaking News : હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો નવો પ્રસ્તાવ, વૈશ્વિક વેપાર પર પડી શકે છે મોટી અસર
| Updated on: Aug 07, 2026 | 4:53 PM

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક હોર્મુઝ સ્ટ્રેટને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કાર્ગોની કિંમતના આધારે 5થી 7 ટકા સુધીની ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આ નિર્ણય અમલમાં આવશે, તો તેની સીધી અસર વૈશ્વિક વેપાર, તેલના ભાવ અને ઊર્જા બજારો પર જોવા મળી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે. પર્સિયન ગલ્ફમાંથી વિશ્વના અનેક દેશોમાં જતું ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. તેથી અહીં લેવામાં આવતો કોઈપણ નિર્ણય માત્ર શિપિંગ ઉદ્યોગ પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને અસર કરી શકે છે.

ઈરાન ફી શા માટે વસૂલવા માંગે છે?

ઈરાનનું કહેવું છે કે આ ફી દરિયાઈ સુરક્ષા, નેવિગેશન સુવિધા અને જહાજોને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવા જેવી સેવાઓના બદલામાં વસૂલવામાં આવશે. જોકે, આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને અનેક નિષ્ણાતો આ દલીલ સાથે સહમત નથી. તેમના મતે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર એકતરફી રીતે ફરજિયાત ફી લાદવાનો નિર્ણય વૈશ્વિક વેપાર માટે ચિંતાજનક બની શકે છે.

અહેવાલો મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં નિયંત્રિત શિપિંગ કોરિડોર અંગે ઈરાન અને ઓમાન વચ્ચે પણ ચર્ચા થઈ રહી છે. જો આ યોજના આગળ વધે છે, તો જહાજોની અવરજવર અને સુરક્ષા સંબંધિત નવા નિયમો અમલમાં આવી શકે છે.

અમેરિકાનો વિરોધ

ઈરાને સંકેત આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને નવો કરાર ટૂંક સમયમાં થઈ શકે છે. જોકે, અમેરિકા સ્પષ્ટપણે કહી ચૂક્યું છે કે આ મહત્વપૂર્ણ ઊર્જા માર્ગનું નિયંત્રણ ઈરાનને સોંપવાનો તે સમર્થક નથી.

અહેવાલો અનુસાર, જો કોઈ કરાર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પર વધુ નિયંત્રણ આપે છે, તો મધ્ય પૂર્વમાં સત્તાનું સંતુલન ઈરાન તરફ ઝૂકી શકે છે. નોંધનીય છે કે અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ તમામ દેશોના જહાજો માટે ખુલ્લો હતો અને ત્યાંથી પસાર થવા માટે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નહોતી.

શું દરેક જહાજે ફી ચૂકવવી પડશે?

હાલમાં આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અહેવાલો મુજબ, ઈરાન 5થી 7 ટકા ફીનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે, જ્યારે ઓમાન લગભગ 3 ટકા ફી વસૂલવાના પક્ષમાં હોવાનું કહેવાય છે. બીજી તરફ, અમેરિકા કોઈપણ પ્રકારના ટોલ અથવા વધારાની ફીનો વિરોધ કરી રહ્યું છે.

ફી ક્યારે લાગુ થશે, કયા જહાજો પર લાગુ પડશે અને તેની કાનૂની માન્યતા શું હશે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. શિપિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે જો આ પ્રસ્તાવ અમલમાં આવશે, તો આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારના નિયમો સામે એક નવો પડકાર ઊભો થઈ શકે છે.

દુનિયાની નજર ઈરાનના આગામી પગલા પર

મધ્ય પૂર્વમાં પહેલાથી જ રાજકીય અને સુરક્ષા સંબંધિત તણાવ વચ્ચે ઈરાનનો આ પ્રસ્તાવ વધુ ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ આ નિર્ણય ઈરાન માટે વધારાની આવકનું સાધન બની શકે છે, તો બીજી તરફ તે આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રાજદ્વારી અને વેપારી વિવાદોને પણ જન્મ આપી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ શા માટે એટલું મહત્વપૂર્ણ છે?

હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના અનેક મોટા તેલ ઉત્પાદક દેશોની સપ્લાય ચેઇન આ માર્ગ પર નિર્ભર છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસ્થિરતા સીધી વૈશ્વિક ઊર્જા બજારને અસર કરી શકે છે.

જો શિપિંગ ખર્ચમાં વધારો થશે, તો તેની અસર તેલના આંતરરાષ્ટ્રીય ભાવ પર પડી શકે છે. પરિણામે પરિવહન ખર્ચ વધવાની સાથે મોંઘવારીમાં પણ વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ઊર્જાની આયાત પર નિર્ભર એશિયાના અનેક દેશો માટે આ સ્થિતિ વધુ પડકારજનક બની શકે છે.

ડિફેન્સ સેકટરમાં મોદી સરકારે કર્યો મોટો ખેલ!ભારતીય કંપનીઓને મોટો ફાયદો

Follow Us
Loading...
Unable to load recommendations.