
જોહાનિસબર્ગમાં યોજાયેલા G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહત્વપૂર્ણ વૈશ્વિક પહેલનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે વૈશ્વિક વિકાસના પરિમાણો પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પરંપરાગત જ્ઞાન, આફ્રિકામાં કૌશલ્ય વિકાસ તથા ડ્રગ-આતંકવાદના જોડાણ સામે સંયુક્ત લડત માટે વિશેષ પહેલોની જાહેરાત કરી.
ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે હાલના વૈશ્વિક વિકાસ મોડેલોએ મોટી વસ્તીને સંસાધનોથી વંચિત રાખી છે અને પ્રકૃતિના અતિશય શોષણને પ્રોત્સાહન આપ્યું છે. આ પડકારો આફ્રિકામાં વધુ ગંભીરતાથી અનુભવાઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આફ્રિકા પ્રથમ વખત G20 સમિટનું આયોજન કરી રહ્યું છે ત્યારે વિકાસના પરિમાણો અંગે ઊંડાણપૂર્વક વિચાર કરવાની આ યોગ્ય ઘડી છે.
પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે “એકીકૃત માનવતાવાદ” એ એવો માર્ગ છે જે માનવ, સમાજ અને પ્રકૃતિને એક સમગ્ર તરીકે જોડે છે. આ અભિગમ દ્વારા જ પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવી શકાય છે.
પીએમ મોદીના ત્રણ મુખ્ય પ્રસ્તાવો
વિશ્વના અનેક સમુદાયોએ પર્યાવરણીય સંતુલન, સાંસ્કૃતિક વારસા અને સામાજિક સમરસતા જાળવતી જીવનશૈલી અપનાવી છે. પીએમ મોદીએ G20 હેઠળ ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝીટરી બનાવવાની પહેલ રજૂ કરી.
આ રિપોઝીટરી પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને વિશ્વ સાથે વહેંચાણ કરશે. ભારતની ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge System) પહેલ આ વૈશ્વિક પ્લેટફોર્મનો આધાર બની શકે છે એમ પણ તેમણે જણાવ્યું.
પીએમ મોદીએ જણાવ્યું કે આફ્રિકાનો વિકાસ સમગ્ર વિશ્વના હિતમાં છે. તેમણે G20–Africa Skills Multiplier નામની નવી પહેલ રજૂ કરી.
આમાં “Train-the-Trainers” મોડેલ અપનાવવામાં આવશે જેથી આગામી 10 વર્ષમાં આફ્રિકામાં 10 લાખ પ્રમાણિત ટ્રેનર્સ તૈયાર કરવામાં આવે. આ ટ્રેનર્સ બાદમાં લાખો યુવાનોને કૌશલ્ય અને રોજગારી માટે જરૂરી તાલીમ આપી શકશે. આ પ્રક્રિયામાં તમામ G20 સભ્યો સહયોગ અને ભંડોળ પૂરૂં પાડશે.
ફેન્ટાનાઇલ જેવા ઘાતક સિન્થેટિક ડ્રગ્સના ઝડપી પ્રસાર અંગે ચિંતાઓ વ્યક્ત કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે આવા ડ્રગ્સ જાહેર આરોગ્ય, સામાજિક સ્થિરતા અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
તેમણે ડ્રગ-ટેરર નેક્સસ સામે લડવા માટે વિશેષ G20 પહેલની રજૂઆત કરી. આ પહેલમાં નાણાકીય વ્યવસ્થાઓ, કાયદેસર શાસન અને સુરક્ષા સંબંધી માળખાને એકીકૃત કરવામાં આવશે. તેના દ્વારા ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કને ભંગ કરવાનું, ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારોને અટકાવવાનું અને આતંકવાદને મળતા ફંડના સ્ત્રોતો નબળા પાડવાનું લક્ષ્ય રહેશે.
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને આફ્રિકાનો સંબંધ હંમેશા મજબૂત રહ્યો છે. નવી દિલ્હી G20 સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનને સ્થાયી સભ્યપદ મળવું આ દિશામાં ઐતિહાસિક પગલું હતું. તેમણે અપેક્ષા વ્યક્ત કરી કે ગ્લોબલ સાઉથનો અવાજ દરેક વૈશ્વિક પ્લેટફોર્મ પર વધુ સશક્ત બને તે માટે બધા દેશોએ સાથે મળીને આગળ વધવું જોઈએ.
દુનિયામાં નવાજૂની..! ત્રણ દિગ્ગજો G20 માંથી ગાયબ, ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ કેમ થયા દૂર ?