યુક્રેનની (Ukraine) રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસે (Indian Embassy) યુક્રેનમાં રહેતા ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોથી દૂર પશ્ચિમી વિસ્તારોમાં જવાની સલાહ આપી છે. દૂતાવાસે કહ્યું કે યુક્રેન રેલવે કિવથી કોઈ પણ ખર્ચ વિના ઈમરજન્સી ટ્રેન ચલાવી રહી છે. ટ્રેન સ્ટેશનો પર સમયપત્રક મુજબ ઉપલબ્ધ રહેશે. ભારતીય દૂતાવાસના સત્તાવાર હેન્ડલે ટ્વિટ કરીને ભારતીયોને આ અપીલ કરી છે. શનિવારે, દૂતાવાસે યુક્રેનમાં ભારતીય નાગરિકોને સરકારી અધિકારીઓ સાથે સંકલન કર્યા વિના સરહદ ચોકીઓની મુલાકાત ન લેવાની સલાહ આપી હતી. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું કે, યુક્રેનમાં તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભારતીય સરકારી અધિકારીઓ સાથે પૂર્વ સંકલન વિના સરહદી ચોકીઓ પરની કોઈપણ સરહદની મુલાકાત ન લે.
ભારતીય દૂતાવાસે તેના નાગરિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. દૂતાવાસે કહ્યું કે નાગરિકોને બહાર કાઢવા માટે પડોશી દેશો સાથે સતત વાતચીત ચાલી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દૂતાવાસને પૂર્વ સૂચના વિના સરહદ ચોકીઓ પર પહોંચતા ભારતીય નાગરિકોને મદદ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટે અથાક મહેનત કરી રહી છે. રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા છે. કિવમાં ઈમરજન્સીનું કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે.
રશિયા યુક્રેન પર કબજો જમાવી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે. રશિયાએ દાવો કર્યો હતો કે તેના સૈનિકોએ દક્ષિણ યુક્રેનના ખેરસન શહેર અને દક્ષિણપૂર્વમાં બર્દિયાંસ્ક શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે. રશિયાએ યુક્રેનના 471 સૈનિકોની ધરપકડ કરવાનો પણ દાવો કર્યો છે.
યુક્રેનના પ્રાદેશિક વહીવટના વડાએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકો યુક્રેનના બીજા શહેર ખાર્કિવમાં પ્રવેશ્યા હતા. ઓલેગ સિનેગુબોવે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે રશિયન દુશ્મનના હળવા વાહનો ખાર્કિવ શહેરમાં પ્રવેશ્યા છે. યુક્રેનની સશસ્ત્ર દળો દુશ્મનને ખતમ કરી રહી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. ખાર્કિવ શહેર રશિયન સરહદથી 20 કિલોમીટર દૂર આવેલું છે.
આ પણ વાંચો : યુક્રેનની રાજધાની પર ‘કબજા’નો ખતરો, રશિયન સેનાએ કિવને ઘેરી લીધું, નાગરિકોને ઘર ન છોડવાની સલાહ